નાલંદા યુનિવર્સિટીનો પુનર્જન્મ : 1600 વર્ષ પહેલા કેવી હતી નાલંદા યુનિવર્સિટી, જુઓ જૂની અને નવી તસવીરો
ભારત અને વિશ્વની ધરોહર સમાન નાલંદા યુનિવર્સિટીનો આજે પુનર્જન્મ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 19મી જૂને રાજગીરમાં સ્થિત નાલંદા યુનિવર્સિટીની નવનિર્મિત ઈમારતનું ઉદ્ઘાટન કર્યું હતું.નાલંદા યુનિવર્સિટીની સ્થાપના 450 એડી માં ગુપ્ત સમ્રાટ કુમાર ગુપ્તા પ્રથમ દ્વારા કરવામાં આવી હતી. પાછળથી તેને હર્ષવર્ધન અને પાલ શાસકોનું સમર્થન પણ મળ્યું. નિષ્ણાતોના મતે, 12મી સદીમાં આક્રમણકારો દ્વારા આ યુનિવર્સિટીઓનો નાશ કરવામાં આવ્યો હતો. આ પહેલા લગભગ 800 વર્ષથી આ પ્રાચીન શાળાઓમાં શિક્ષણ થતું હતું.

રાષ્ટ્રની હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવી હતી
નોંધનીય છે કે વર્ષ 2016માં નાલંદા યુનિવર્સિટીના ખંડેરો (અવશેષો)ને સંયુક્ત રાષ્ટ્રની હેરિટેજ સાઈટ જાહેર કરવામાં આવી હતી, ત્યારબાદ 2017માં યુનિવર્સિટીનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીનું નવું કેમ્પસ નાલંદાના પ્રાચીન ખંડેરોની જગ્યાની પાસે જ બનાવવામાં આવ્યું છે. આ નવા કેમ્પસની સ્થાપના નાલંદા યુનિવર્સિટી એક્ટ, 2010 દ્વારા કરવામાં આવી છે. 2007માં ફિલિપાઈન્સમાં યોજાયેલી બીજી ઈસ્ટ એશિયા સમિટમાં લેવાયેલા નિર્ણયોને અમલમાં મૂકવા માટે આ અધિનિયમની સ્થાપના કરવામાં આવી હતી.

આ વિશ્વ પ્રસિદ્ધ પ્રાચીન બૌદ્ધ વિશ્વવિદ્યાલયના અવશેષો હજુ પણ દક્ષિણમાં પટનાથી 90 કિલોમીટર અને બિહાર શરીફથી લગભગ 12 કિલોમીટરના અંતરે સ્થિત છે. આ યુનિવર્સિટીને તક્ષશિલા પછી વિશ્વની બીજી સૌથી જૂની યુનિવર્સિટી માનવામાં આવે છે. રહેણાંક કેમ્પસના રૂપમાં આ પ્રથમ યુનિવર્સિટી છે, તે 800 વર્ષથી અસ્તિત્વમાં છે.
નાલંદા યુનિવર્સિટી વિશ્વની પ્રથમ રહેણાંક યુનિવર્સિટી હતી. વિશ્વભરમાંથી વિદ્યાર્થીઓ અહીં શિક્ષણ મેળવવા આવતા હતા. તેથી, તેમાં 300 થી વધુ ઓરડાઓ, સાત મોટા હોલ અને તેની લાઇબ્રેરી નવ માળની હતી, જેનું નામ ધરમગંજ હતું. તુર્કીના મુસ્લિમ શાસક બખ્તિયાર ખિલજીએ નાલંદા યુનિવર્સિટીમાં આગ લગાવી દીધી હતી. અહીંની લાયબ્રેરીમાં એટલા બધા પુસ્તકો હતા કે ત્રણ મહિના સુધી આગ સળગતી રહી.

ધર્મગંજ લાઇબ્રેરીમાં 3 લાખથી વધુ પુસ્તકો હતા. નાલંદા યુનિવર્સિટીના નવા કેમ્પસમાં બે શૈક્ષણિક બ્લોક છે, જેમાં 40 વર્ગખંડો છે. અહીં કુલ 1900 બાળકો માટે બેઠક વ્યવસ્થા છે. યુનિવર્સિટીમાં બે ઓડિટોરિયમ પણ છે. આ ઉપરાંત એક ઇન્ટરનેશનલ સેન્ટર અને એમ્ફીથિયેટર પણ બનાવવામાં આવ્યું છે, જેમાં 2 હજાર લોકો બેસી શકે છે. એટલું જ નહીં વિદ્યાર્થીઓ માટે ફેકલ્ટી ક્લબ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પણ છે.

આ યુનિવર્સિટીમાં પ્રવેશ માટે અઘરી પ્રવેશ પરીક્ષા લેવાતી હતી. આ પરીક્ષા પાસ કરનાર વિદ્યાર્થીઓ જ પ્રવેશ મેળવી શકતા હતા. આ યુનિવર્સિટીએ તે સમયે 10 હજારથી 20 હજાર વિદ્યાર્થીઓને શિક્ષણ આપ્યું છે. આ વિદ્યાર્થીઓને મફત શિક્ષણ આપવામાં આવ્યું હતું.

આ યુનિવર્સિટી તેના સમયમાં હિંદુ અને બૌદ્ધ ધર્મોના અભ્યાસ માટે જાણીતી હતી. જૂના જમાનામાં સાહિત્ય, જ્યોતિષ, મનોવિજ્ઞાન, કાયદો, ખગોળશાસ્ત્ર, વિજ્ઞાન, યુદ્ધ, ઇતિહાસ, ગણિત, સ્થાપત્ય, ભાષાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, દવા વગેરે વિષયો ભણાવવામાં આવતા હતા. નવા કેમ્પસમાં યુનિવર્સિટીમાં બૌદ્ધ અભ્યાસ, તત્વજ્ઞાન, તુલનાત્મક ધર્મ, ઈતિહાસ, ઈકોલોજી અને પર્યાવરણીય અભ્યાસ અને મેનેજમેન્ટના અભ્યાસ માટે અલગ શાળાઓ બનાવવામાં આવી છે.