વારાણસીમાં વડાપ્રધાને શું કહ્યું ? જુઓ
ત્રીજી વખત પીએમ પદના શપથ લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે વારાણસી પહોંચી ગયા હતા. તેઓ વારાણસીના બે દિવસીય પ્રવાસે છે. . અહીં સૌ પ્રથમ તેમણે કિસાન સન્માન નિધિનો 17મો હપ્તો ખેડૂતોના ખાતામાં નાખ્યો હતો. રૂપિયા 20 હજાર કરોડની ભેટ આપી હતી.
અહીં મોદીએ ખેડૂતો સાથે વાતચીત કરતા જનસભાને સંબોધી હતી. એમણે કહ્યું કે મિત્રો, આ ચૂંટણીમાં દેશની જનતાએ અભૂતપૂર્વ જનાદેશ આપ્યો છે. આ સાથે એક નવો ઈતિહાસ રચાયો છે. ભારતમાં આવું 60 વર્ષ પહેલા થયું હતું, ત્યારથી લઈને અત્યાર સુધી ભારતમાં કોઈ પણ સરકાર હેટ્રિક કરી શકી નથી. હવે તમે મોદીને આ તક આપી છે અને આ વિજય જ સૌથી મોટો વિજય છે, સૌથી મોટો જનવિશ્વાસ છે. એમણે કહ્યું કે દુનિયામાં ક્યાંય પણ આટલી મોટી ચુંટણી થતી નથી. ભારતના લોકતંત્રથી દુનિયા પ્રભાવિત થઈ છે.
એમણે કહ્યું કે ચૂંટણી જીત્યા બાદ પહેલીવાર બનારસ આવ્યો છું. હું બનારસના લોકોને સલામ કરું છું. કાશીની જનતાના અપાર પ્રેમને કારણે મને ત્રીજી વખત દેશનો મુખ્ય સેવક બનવાનું સૌભાગ્ય મળ્યું છે. કાશીની જનતાએ મને સતત ત્રીજી વખત તેમના પ્રતિનિધિ તરીકે ચૂંટીને મને આશીર્વાદ આપ્યા છે. હવે એવું લાગે છે કે માતા ગંગાએ પણ મને દત્તક લીધો છે, હું અહીંનો રહેવાસી બની ગયો છું.
જનતાનો વિશ્વાસ મારી સંપત્તિ
મોદીએ કહ્યું કે આ એક મોટી જીત છે. અને અપાર શ્રદ્ધા છે. તમારો વિશ્વાસ મારા માટે મોટી સંપત્તિ છે. તમારો વિશ્વાસ મને તમારી સેવા કરવા અને દેશને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સખત મહેનત કરવાની સતત પ્રેરણા આપે છે. હું દિવસ-રાત આવી જ મહેનત કરીશ. હું તમારા સપના અને સંકલ્પોને પૂરા કરવા માટે તમામ પ્રયાસો કરીશ. આ તકે યુપીના મુખ્યમંત્રી યોગી સહિત યુપીના બધા જ મંત્રીઓ હાજર રહ્યા હતા.
કરોડો લોકોને મદદ
મોદીએ કહ્યું કે મેં ખેડૂતો, યુવાનો, મહિલા શક્તિ અને ગરીબોને વિકસિત ભારતનો મજબૂત આધારસ્તંભ ગણ્યો છે. મેં મારા ત્રીજા કાર્યકાળની શરૂઆત તેમના સશક્તિકરણ સાથે કરી છે. સરકાર બન્યાની સાથે જ ખેડૂતો અને ગરીબ પરિવારોને લગતો સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં ગરીબ પરિવારો માટે 3 કરોડ નવા મકાનો બનાવવાની વાત હોય કે પછી પીએમ કિસાન સન્માન નિધિને વિસ્તારવાની… આ નિર્ણયો કરોડો લોકોને મદદ કરશે.