શું પોલીસ અધિકારીઓ એમ માને છે કે તેઓ કાયદાથી પર છે, બીજાને ધમકાવી શકે છે ?
ગુજરાત હાઇકોર્ટે પાટણ જિલ્લા પોલીસ વડા સામે થયેલી ફરિયાદની સુનાવણી દરમિયાન કહ્યું
જેની સામે આરોપ હોય તેવા અધિકારીને એક્ઝીક્યુટીવ પોસ્ટ ઉપર રાખવા ન જોઈએ
ગુજરાત હાઇકોર્ટે પોલીસ અધિકારીઓ સામે થયેલી ફરિયાદની સુનાવણી દરમિયાન પોલીસ તંત્રને બરાબરનું ઝાટકયુ હતું અને કહ્યું હતું કે, પોલીસ શું એમ માને છે કે તે કાયદાથી પર છે, ગમે તેને ધમકાવી શકે છે, ખંડણી ઉઘરાવી શકે છે. ગુજરાત હાઈકોર્ટએ આરોપી પોલીસ અધિકારીઓને છાવરવા સામે નારાજગી પણ વ્યક્ત કરી હતી.
પાટણ જિલ્લા પોલીસ વડા આર ડી પટેલ સામે પગલાં લેવાની અરજી પર સુનાવણી કરતી વખતે જસ્ટિસ નિરઝર દેસાઈએ એડિશનલ એડવોકેટ જનરલને કહ્યું, “આ ત્રણ-ચાર દિવસમાં મેં જોયું છે કે ગુનાઓમાં સંડોવાયેલા પોલીસ કર્મચારીઓ સામેના કેસ વધી રહ્યા છે. મોટાભાગની અરજીઓની ફરિયાદ એ છે કે અધિકારીઓ સામે કોઈ કેસ નોંધવામાં આવતો નથી અને તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આવું ન થવું જોઈએ. આ ખૂબ જ ખોટો સંકેત મોકલે છે કે ચોક્કસ વર્ગ સંપૂર્ણપણે કાયદાથી ઉપર છે.”
અમદાવાદમાં આંબાવાડીમાં શાકભાજી વેપારી અતુલ પ્રજાપતિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરતા ન્યાયાધીશે સરકારનું ધ્યાન દોર્યું હતું.
અતુલ પ્રજાપતિનું 1 એપ્રિલના રોજ તેની દુકાનમાંથી ચાર અજાણ્યા વ્યક્તિઓએ અપહરણ કર્યું હતું. ત્યાર બાદ તેને કલોલ પાસે છોડી દેવામાં આવ્યો હતો અને કથિત અપહરણકારોએ પોતાની ઓળખ પાટણની સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચના કર્મચારી તરીકે આપી હતી. અતુલ પ્રજાપતિએ એવી પણ ફરિયાદ કરી હતી કે પાટણ એસપી ધમકીભર્યા ફોન કરે છે.
એલિસબ્રિજ પોલીસ દ્વારા તેમની ફરિયાદ પર કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી અને તેમણે વિવિધ સ્તરે રજૂઆતો કરી હતી. અંતે, તેણે એફઆઈઆર નોંધવા અને પોલીસ સામે કાર્યવાહી માટે હાઈકોર્ટનો સંપર્ક કર્યો.
કેસની સુનાવણી દમિયાન જસ્ટિસ દેસાઈએ પૂછ્યું, “મેં સાંભળ્યું છે કે બેંકો તેમના કર્મચારીઓને સસ્તા વ્યાજ દરે લોન આપે છે અને તેમની યોજનાના ભાગ રૂપે અન્ય પ્રોત્સાહનો પણ આપે છે. શું પોલીસ વિભાગમાં પણ એવી કોઈ સ્કીમ ચાલી રહી છે કે જો તમે ગુનો કરશો તો તમારી સામે કોઈ કેસ નોંધવામાં આવશે નહીં કે તેની પૂછપરછ કરવામાં આવશે? અને આ સ્કીમ કોન્સ્ટેબલથી લઈને એસપી સુધી લાગુ પડે છે… તેઓને લાગે છે કે તેઓ કાયદાથી ઉપર છે. તેઓ લોકોને ધમકાવી શકે છે, મારપીટ કરી શકે છે અને ખંડણી માંગી શકે છે.”
ન્યાયાધીશે એસપી સામે નિષ્ક્રિયતા અને તેને બચાવવા બદલ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. ન્યાયાધીશે પૂછ્યું કે “તેમને સામાન્ય માણસ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને જોવા માટે સમય મળતો નથી. શું અરજીઓ તરત જ ડસ્ટબિનમાં જાય છે?”
આર ડી પટેલના વકીલ બુધવારે કોર્ટમાં હાજર થયા ત્યારે ન્યાયાધીશે પ્રશ્ન કર્યો, “શું તમારા અસીલને લાગે છે કે તે કાયદાથી ઉપર છે? ઘણા પ્રશ્નોના જવાબ મળવાના બાકી છે અને કમનસીબે હું તપાસ અધિકારી નથી.”
ન્યાયાધીશે ભારપૂર્વક જણાવ્યું હતું કે આવા આરોપોનો સામનો કરી રહેલા અધિકારીને જિલ્લામાં એક્ઝિક્યુટિવ પદ પર રાખવા જોઈએ નહીં. ન્યાયાધીશે એમ પણ કહ્યું હતું કે ફરિયાદની તપાસ એસપીના રેન્કથી ઉપરના IPS અધિકારી દ્વારા હાથ ધરવામાં આવે અને તેના ઉપરી અધિકારી દ્વારા દેખરેખ રાખવામાં આવે.
ગુનામાં પોલીસની સંડોવણી વિશે ન્યાયાધીશની ટિપ્પણી પર, રાજ્યના કાયદા અધિકારીએ સ્વીકાર્યું, “અમને પાટણના સુપરિન્ટેન્ડેન્ટ સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સામે 6-7 અરજીઓ મળી છે. તેઓને ક્રાઈમ બ્રાન્ચ પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. ડીસીપી દ્વારા તેમની તપાસ કરવામાં આવશે અને સંયુક્ત પોલીસ કમિશનર દ્વારા દેખરેખ રાખવામાં આવશે.”કોર્ટે આવતા અઠવાડિયા સુધીમાં રિપોર્ટ માંગ્યો છે,