મહારાષ્ટ્રની મહાયુતિમાં નવા જુનીના એંધાણ:અજીત પવાર ભારે નારાજ
ચૂંટણીના પરિણામોથી ભાજપ સ્તબ્ધ
દિલ્હી ખાતે એનડીએની બેઠકમાં જવાનું ટાળ્યું
મહારાષ્ટ્રના પરિણામોએ ભાજપ,શિવસેના અને એનસીપીની મહા યુતિમાં ભૂકંપ સર્જ્યો છે અને બધા પક્ષોઆ ગઠબંધનને કારણે થનારા રાજકીય નુકસાન અને ફાયદાની નવેસરથી ગણતરી કરવા લાગ્યા છે. મહા યુતિમાંઅંદરોઅંદર તીવ્ર મતભેદો હોવાનું વિશ્લેષકો માની રહ્યા છે. દિલ્હી ખાતે એનડીએના ઘટક પક્ષોની બેઠકમાં અજીત પવાર ઉપસ્થિત ન રહેતા ગઠબંધનમાં તિરાડ પડી હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
મહારાષ્ટ્રના પરિણામોએ ભાજપને આંચકો આપ્યો છે.ગત ચૂંટણીમાં અખંડ શિવસેના સાથે ગઠબંધન હતું ત્યારે ભાજપનો 23 બેઠક ઉપર વિજય થયો હતો.આ વખતે શિંદેની શિવસેના અને અજીત પવારની એનસીપી સાથેના ગઠબંધન બાદ ભજપને માત્ર નવ બેઠક જ મળતા ભાજપની છાવણીમાં સન્નાટો પ્રસરી ગયો છે. ભાજપને ઉતર પ્રદેશ પછી સૌથી વધારે નુકસાન મહારાષ્ટ્રમાં ગયું છે.ગત ચૂંટણીમાં એનડીએને 48 માંથી 41 બેઠકો મળી હતી તેની સામે આ વખતે માત્ર 17 જ બેઠકો મળી.સૌથી મહત્વની વાત એ છે કે કોંગ્રેસને ગત ચૂંટણીમાં માત્ર એક બેઠક મળી હતી પણ આ વખતે તેને તમામ પક્ષોમાં સૌથી વધારે 13 બેઠકો મળી. મહા યુતિ ની નિષ્ફળતાને કારણે અસ્તિત્વ ટકવવાનો સંઘર્ષ કરતી કોંગ્રેસ સૌથી વધુ મજબૂત પક્ષ તરીકે ઊભરી આવતાં મહારાષ્ટ્રના રાજકીય સમીકરણો પલટાઈ ગયા છે.
મહા યુતિની આ નિષ્ફળતા માટે હવે સાથી પક્ષોમાં આક્ષેપો પ્રતિ આક્ષેપોનો દૌર શરૂ થયો છે.ખાસ કરીને એનસીપીના નેતાઓએ આને માટે સાથી પક્ષોના અસહકારને કારણભૂત ગણાવતા એ મતભેદો સપાટી પર આવી ગયા છે.તેમાં પણ બારામતીની બેઠક પર શરદ પવારના પુત્રી સુપ્રિયા સુલે સામે અજીત પવારના પત્ની સૂનેત્રા પવારના પરાજયને કારણે અજીત પવાર અને તેમના ચુસ્ત ટેકેદારો સ્તબ્ધ છે.એ બેઠક હેઠળની ચાર વિધાનસભા મહા યુતિ પાસે હતી.અજીત પવાર પોતે બારામતીની બેઠક પરથી ચૂંટાયા હતા.તેમ છતાં સુનેત્રા હારી ગયા તે પછી અજીત પવાર ધુંધવાયા છે. બાદમાં એનસીપીના એક નેતા એ શિવસેના અને ભાજપના કાર્યકરોએ કામ ન કર્યું હોવાની અને એ પક્ષોના મત ટ્રાન્સફર ન થયા હોવાનો ખુલ્લો આક્ષેપ કર્યો હતો.એક એમએલસી મેમ્બરે તો સાથી પક્ષોએ દગો આપ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો. આવા વાતાવરણ વચ્ચે દિલ્હીની એનડીએની બેઠકમાં અજીત પવારની ગેરહાજરીને ખૂબ સૂચક માનવામાં આવે છે.આવતા દિવસોમાં મહારાષ્ટ્રના રાજકારણમાં નવા જૂની થવાના એંધાણ વર્તાવા લાગ્યા છે.