દિલ્હીમાં ભાજપ દ્વારા શું થાય છે તૈયારી ? વાંચો
લોકસભાની ચુંટણીમાં આ વખતે અમે 400 પાર કરીશું’નું સૂત્ર આપનાર ભાજપનું મનોબળ એક્ઝિટ પોલ બાદ ઉંચુ આવ્યું છે. 4 જૂને પરિણામ તેની તરફેણમાં આવવાની સંભાવનાને જોતા, ભાજપ પહેલેથી જ ઉજવણીના મોડમાં છે. એક્ઝિટ પોલના તારણો બાદ ભાજપ હવે ભવ્ય ઉજવણી કરવાની તૈયારી કરી રહ્યો છે. તૈયારીને આખરી ઓપ અપાઈ રહ્યો છે. અમિત શાહ અને નડા સહિતના નેતાઓ માર્ગદર્શન આપી રહ્યા છે.
ભાજપના સૂત્રોએ એવી માહિતી આપી હતી કે પરિણામ બાદ વડાપ્રધાન મોદીના નિવાસસ્થાનથી ભાજપના વડામથક સુધી ભવ્ય રોડ શો થશે. સૂત્રોનું કહેવું છે કે મોદીનો આ ભવ્ય રોડ શો લોક કલ્યાણ માર્ગથી ભાજપ કાર્યાલય સુધી 2-3 લાખ લોકો સાથે યોજવામાં આવી શકે છે. લાઇટ એંડ સાઉન્ડ શો પણ યોજાશે.
તૈયારીઓને લઈને બીજેપી નેતાઓ ભારત મંડપમ, યશો ભૂમિ અને કર્તવ્ય પથ જેવી જગ્યાઓ પર પણ ફીડબેક લઈ રહ્યા છે. આ સ્થળોએ મોદી સરકારના શપથગ્રહણ બાદ મોટા ઉત્સવની તૈયારીઓ થતી જોવા મળી રહી છે. મતલબ કે મોદી સરકારના શપથ ગ્રહણ સમારોહ પછી એ જ દિવસે આ ભવ્ય રોડ શો થશે. જો કે, અંતિમ સ્થાનની પુષ્ટિ થવાની બાકી છે. એક્ઝિટ પોલના પરિણામોમાં ફરી એકવાર મોદી સરકારની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ રાષ્ટ્રપતિ ભવનમાં શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ પણ ચાલી રહી છે.
શપથ ગ્રહણના દિવસે ભવ્ય ઉજવણી
સૂત્રોએ જણાવ્યું હતું કે સત્તાવાર શપથગ્રહણના દિવસે આ ઉજવણીનો કાર્યક્રમ ભારત મંડપમ અથવા કર્તવ્ય પથ ખાતે યોજવામાં આવે તેવી શક્યતા છે. તે ‘ભારતના સાંસ્કૃતિક વારસા’ના પ્રદર્શન તરીકે થીમ આધારિત છે. લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ થશે. તેમાં વિદેશી સરકારોના પ્રતિનિધિઓ પણ ભાગ લેશે. સૂત્રોનું કહેવું છે કે લોકસભા ચૂંટણીના પરિણામો બાદ નવી સરકાર 9 જૂને શપથ લઈ શકે છે. જો કે, આ પણ હજુ સુધી ફાઈનલ થયું નથી. સરકારે ગયા વર્ષે 30 મેના રોજ શપથ લીધા હતા.