અરુણાચલ પ્રદેશ વિધાનસભાની ચુંટણીમાં કોણ વિજેતા ? જુઓ
લોકસભાની ચુંટણી સાથે જ અરુણાચલ પ્રદેશમાં વિધાનસભાની ચુંટણી પણ યોજાઇ હતી અને રવિવારે તેની મતગણના થઈ હતી. અહીં ભાજપને ઐતિહાસિક જીત મળી છે અને સત્તામાં રિપીટ થઈ છે. વિધાનસભાની કૂલ 60 બેઠકો માટે મતદાન થયું હતું પણ 10 બેઠકો ભાજપે બિનહરીફ જીતી હતી અને 50 બેઠકોની મતગણના થઈ હતી.
મતગણના પૂરી થયા બાદ ભાજપને 46, એનપીઈને 5, કોંગ્રેસને 1 અને અન્યોને 8 બેઠકો મળી હતી તેવી જાહેરાત ચુંટણી પંચે કરી હતી. પ્રચંડ જીત બાદ ભાજપના કાર્યકરોએ આતશબાજી કરી હતી અને મીઠાઇ વહેંચવામાં આવી હતી. મુખ્યમંત્રી તરીકે પેમા ખાંડું લોકોમાં ભારે ચાહના ધરાવે છે અને ફરી તેઓ મુખ્યમંત્રી બનશે તે ફાઇનલ છે. ભાજપના પ્રમુખ અમિત શાહ અને વડાપ્રધાન મોદીએ અરુણાચલના નેતાઓને શુભકામના પાઠવી હતી.
અરુણાચલ પ્રદેશની 50 વિધાનસભા બેઠકો માટે રવિવારે સવારે 6 વાગ્યાથી શરૂ થયેલી મત ગણતરી કડક સુરક્ષા વચ્ચે પૂરી થઈ હતી. 60 સભ્યોની વિધાનસભામાં ભાજપે 10 બેઠકો બિનહરીફ જીતી લીધી હતી.
ભાજપના વાંગલિંગ લોઆંગડોંગે રવિવારે બોરદુરિયા-બોગાપાની બેઠક પર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના તેમના નજીકના હરીફ જોવાંગ હોસાઈને 1,452 મતોના માર્જિનથી હરાવીને જીત મેળવી હતી, એમ કમિશને જણાવ્યું હતું.
લોઆંગડોંગે 2019માં કોંગ્રેસની ટિકિટ પર આ સીટ જીતી હતી. ચૂંટણી પહેલા તેઓ ભાજપમાં જોડાયા હતા. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, ભાજપના ઉમેદવાર હમજોંગ તાંઘાએ ચાંગલાંગ દક્ષિણ બેઠક પરથી તેમના નજીકના હરીફ નેશનલ પીપલ્સ પાર્ટીના ટીમ્પુ ન્ગેમુને 1,482 મતોના માર્જિનથી હરાવીને જીત મેળવી છે.
અરુણાચલ પ્રદેશમાં ચૂંટણીના પ્રથમ તબક્કામાં 19 એપ્રિલે વિધાનસભા અને લોકસભા ચૂંટણી માટે એક સાથે મતદાન થયું હતું.