નેવાર્કમાં ભીંડી જવેલર્સમાં કરોડો રૂપિયાની લુંટ
ચાર ગાડીમાં આવેલા લૂંટારાએ શોરૂમમાં ઘૂસીને બેફામ તોડફોડ કરી જે કંઈ હાથમાં આવ્યું તે લઈને નાસી છૂટ્યા
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના નેવાર્ક શહેરમાં આવેલા એક ગુજરાતીના જ્વેલરી શોરૂમમાં ત્રાટકેલા એક ડઝનથી વધુ લુંટારાઓએ કરોડોના દાગીના લુંટી લીધાની ચકચારી ઘટના બની છે. નેવાર્ક પોલીસના જણાવ્યા અનુસાર બપોરે 12.56 કલાકે પોલીસને ન્યૂપાર્ક મોલ રોડ પર આવેલા ભીંડી જ્વેલર્સમાં લૂંટ થઇ હતી. આ લૂંટમાં ડઝનબંધ લોકો ચાર અલગ-અલગ કારમાં ભીંડી જ્વેલર્સ પર આવ્યા હતા અને તોડફોડ કરીને જે કંઈ હાથમાં આવ્યું તે લૂંટી લીધું હતું.
આ ઘટનામાં કેટલી લૂંટ થઈ છે તેનો કોઈ આંકડો જાહેર કરવામાં નથી આવ્યો, પરંતુ પોલીસના જણાવ્યા અનુસાર ચાર અલગ-અલગ કાર્સમાં આવેલા લૂંટારા મોંઘી ઘડિયાળો, ગોલ્ડ રિંગ્સ તેમજ ડાયમંડ નેકલેસ ઉઠાવી ગયા હતા,
પ્રાપ્ત વિગતો અનુસાર માત્ર ત્રણ જ મિનિટથી પણ ઓછા સમયમાં આ લૂંટને અંજામ આપીને રોબર્સની આખી ગેંગ છૂ થઈ ગઈ હતી. જે કાર્સમાં લૂંટારા આવ્યા હતા તેના સીસીટીવી ફુટેજ પણ પોલીસને મળ્યા છે, જેના આધારે લૂંટારા સુધી પહોંચવાના પ્રયાસો હાલ ચાલુ છે. સદનસીબે આ ઘટનામાં શોરૂમમાં કામ કરતા કોઈ વ્યક્તિને ઈજા થઈ હોવાના સમાચાર નથી.
લૂંટારાઓએ જે હથિયારોથી શોકેસની તોડફોડ કરી હતી તે હથિયારોને પણ શોરૂમમાં જ છોડીને ભાગી ગયા હતા. આ શોરૂમમાં એટલી બધી આઈટમ્સ હતી કે લૂંટારા તેને ઉઠાવીને ભાગી રહ્યા હતા ત્યારે ઘણી વસ્તુઓ શોરૂમમાં જ પડી ગઈ હતી.
લૂંટ કરવા આવેલા આ તમામ લોકોએ માસ્ક તેમજ ગ્લવ્સ પહેર્યા હતા અને જાણે પહેલાથી જ બધો પ્લાન બનાવીને આવ્યા હોય તેમ ગણતરીની મિનિટોમાં લૂંટને અંજામ આપીને ભાગી ગયા હતા, આ ગેંગમાં કેટલીક મહિલાઓ પણ સામેલ હોવાની પોલીસને માહિતી મળી છે.
આ શોરૂમમાં વેચાતી નાની-નાની ડાયમંડ જ્વેલરીની કિંમત પણ હજારો ડોલરમાં હોવાથી લૂંટવામાં આવેલી આઈટમ્સનો આંકડો લાખો ડોલરમાં પણ પહોંચી જાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી. આ લૂંટમાં વપરાયેલી બે ગાડીઓને પોલીસે નેવાર્કની બાજુમાં આવેલા ફ્રેમોન્ટમાંથી કબજે કરી હતી, જેની તપાસમાં જાણવા મળ્યું હતું કે આ બંને ગાડીઓ ચોરાયેલી હતી. જોકે, લૂંટારા બાકીની જે કાર્સમાં આવ્યા હતા તેની શોધખોળ હજુય ચાલુ છે.
અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે ભીંડી જવેલર્સ મુંબઈ ઉપરાંત ગુજરાતમાં અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાં શોરૂમ ધરાવે છે.