દેશમાં હૉસ્પિટલોના બિલ અંગે શું પગલાં લેવાશે ? જુઓ
ભારતીય માનક બ્યૂરો એટલે કે બીઆઈએસ હવે દેશના બધી જ હોસ્પિટલોમાં બિલિંગ પ્રક્રિયા એકસમાન કરવાની કામગીરી ઝડપથી કરશે અને તે માટેની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. સરકારના જાણકાર સૂત્રોએ યા મુજબની માહિતી મીડિયાને આપી હતી.
આ પગલાંથી દેશમાં દર્દીઓ જ નહીં બલકે આરોગ્ય વીમા કંપનીઓ અને સરકારી એજન્સીઓને પણ લાભ થશે. બ્યૂરો દ્વારા આ બાબતે દેશના ઇન્ડસ્ટ્રી એકમો અને સંબંધિત હિતધારકો પાસેથી સૂચનો પણ માંગી લીધા છે. ભારતીય માનક બ્યૂરો જ બધા માટે માપદંડો અને નિયમો નક્કી કરે છે.
એક અધિકારીએ એવી માહિતી આપી હતી કે તાજેતરમાં જ આ મામલે એક મહત્વની બેઠક બોલાવાઈ હતી. જેમાં બધા જ હિતધારકો હાજર રહ્યા હતા. એક જ બિલ બધી હોસ્પિટલોમાં બને તે માટે શું પગલાં લેવા જોઈએ તે બારામાં બધાએ પોતાના સૂચનો મૂક્યા હતા.
થોડા સમય પહેલા સુપ્રીમ કોર્ટે પણ કેન્દ્ર સરકારને ફટકાર લગાવીને કહ્યું હતું કે બધી જ હોસ્પિટલોમાં બની રહેલા આડેધડ અને વધુ પડતાં બિલ અંગે પગલાં લેવામાં આવે. આ માટેની બિલની સીમા નક્કી કરવા માટે કોર્ટે સરકારને સૂચન કર્યું હતું. કેન્દ્ર સરકારે એવો જવાબ આપ્યો હતો કે આ પ્રક્રિયા અસંભવ છે.
સુપ્રીમ કોર્ટે બધી જ રાજ્ય સરકારો સાર્થે બેઠક કરીને આ મુદ્દા પર કોઈ નિર્ણય કરવા કહ્યું હતું. જો કે બધી જ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં એકસમાન બિલ બનાવવા માટેના પગલાં લેવા અશક્ય હોવાનું સરકારે કહ્યું હતું.