રેમલ તોફાને કેવી સર્જી તબાહી ? જુઓ
ખતરનાક ચક્રવાતી તોફાન રેમલ રવિવારે રાત્રે 8.30 કલાકે 135 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ બંગાળમાં કેનિંગ અને બાંગ્લાદેશના મોંગલા વચ્ચે ત્રાટક્યું હતું. લેન્ડફોલ 4 કલાક સુધી ચાલ્યો હતો. બંગાળમાં અનેક ભાગોમાં ભારે તબાહી જોવા મળી હતી અને 2 લોકોના મોત થયા હતા. એનડીઆરએફ અને નૌસેના દ્વારા બચાવ રાહત ઓપરેશન હાથ ધરાયું હતું.
ભારે વરસાદ અને ખતરનાક પવનને લીધે અનેક વૃક્ષો અને વીજ પોલ ઊખડી ગયા હતા. કોલકત્તા જલમગ્ન થઈ ગયું હતું અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. 1 લાખ લોકોને વિસ્થાપિત કરી દેવાયા હતા. આસામ અને ઓડિશમાં પણ એલર્ટ અપાયું હતું. જો કે લેન્ડફોલ બાદ તોફાન નબળું પડી ગયું હતું.
આ સમયગાળા દરમિયાન, ઉત્તર અને દક્ષિણ 24 પરગણા, પૂર્વ મેદિનીપુર, દિઘા, કાકદ્વીપ, જયનગર, કોલકાતા, હુગલી અને હાવડાના દરિયાકાંઠાના વિસ્તારોમાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો અને વરસાદ થયો હતો.
વાવાઝોડાએ પશ્ચિમ બંગાળના દક્ષિણ તટીય વિસ્તારોમાં 24 બ્લોક અને 79 વોર્ડને અસર કરી હતી. આ વિસ્તારોમાં 15 હજાર ઘરોને નુકસાન થયું છે.
100 વૃક્ષ, વીજ પોલ ધરાશાયી
રાજધાની કોલકાતામાં 100 થી વધુ વૃક્ષો અને વીજળીના થાંભલા ધરાશાયી થયા હતા. રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. કોલકાતા અને સુંદરબનમાં બે લોકોના મોત થયા હતા.
વાવાઝોડાની શું સ્થિતિ છે?
હવામાન વિભાગ અનુસાર, ગંભીર ચક્રવાતી તોફાન ‘રેમલ’ સોમવારે સવારે નબળું પડીને ચક્રવાતી તોફાનમાં પરિણમ્યું હતું.
તે 15 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પૂર્વ તરફ આગળ વધી રહ્યું હતું. એટલે કે બંગાળને અડીને આવેલા ત્રિપુરા, આસામ, મેઘાલય અને સિક્કિમમાં તેની અસર જોવા મળશે. જો કે, ત્યાં સુધીમાં તે નબળું પડી ગયું હશે.
તોફાનના કારણે પશ્ચિમ બંગાળ ઉપરાંત ઓડિશા, ઝારખંડ અને બિહારના કેટલાક વિસ્તારોમાં 28 મેના રોજ આજે વરસાદ પડશે અને અહીં એલર્ટ આપી દેવાયું હતું
કોલકાતાના સુભાષ ચંદ્ર બોઝ એરપોર્ટ પર 21 કલાક બાદ ફ્લાઈટ સેવા ફરી શરૂ થઈ હતી. . તોફાન પહેલા રવિવારે તે બંધ હતું. 394 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.
કોલકાતામાં રવિવારે સવારે 8.30 વાગ્યાથી સોમવારે સવારે 5.30 વાગ્યાની વચ્ચે 146 મિમી વરસાદ નોંધાયો હતો. હલ્દિયામાં 110 મીમી, તમલુકમાં 70 મીમી અને નિમેથમાં 70 મીમી વરસાદ નોંધાયો હતો.
