બદનક્ષીભરી જાહેરખબરોની મનાઈ સામે ભાજપે સુપ્રીમ કોર્ટમાં દાદ માગી
પશ્ચિમ બંગાળના અખબારોમાં મમતા બેનર્જી અને તેમના પક્ષ ટીએમસીની બદનક્ષી થાય તેવી ભાજપ દ્વારા પ્રસિદ્ધ કરતી જાહેર ખબરો પર પ્રતિબંધ મુકતા કોલકત્તા હાઇકોર્ટના ચુકાદાને ભાજપે સુપ્રીમ કોર્ટમાં ફટકાર્યો છે. ભાજપ દ્વારા પ્રસિદ્ધ કરાવાતી આ જાહેરખબરો બદનક્ષીભરી અને આચાર સંહિતાના ભંગ સમાન હોવાનું ગણાવી કોલકત્તા હાઇકોર્ટના જસ્ટિસ સૌવ્યસાચી ભટ્ટાચાર્યની બેન્ચએ તેના પર પ્રતિબંધ મૂક્યો હતો.
એ ચુકાદા સામે ભાજપે કરેલી રિવિઝં અરજી પણ હાઇકોર્ટની બે ન્યાયાધીશોની ડિવિઝન બેન્ચએ ફગાવી દીધી હતી. અદાલતે ભાજપને લક્ષ્મણ રેખા ન ઓળંગવાની ચેતવણી પણ આપી હતી. જોકે હાઈકોર્ટના બે બે ચુકાદા છતાં હવે ભાજપે સુપ્રીમ કોર્ટની જસ્ટિસ બેલા ત્રિવેદી અને પંકજ મિથલની બેંચ સમક્ષ દાદ માંગી છે.
નોંધનીય છે કે આ જાહેરખબરો બંધ કરાવવા માટે ટીએમસીએ ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી પણ ચૂંટણી પંચે કોઈ પગલાં ન લેતા મામલો હાઇકોર્ટમાં પહોંચ્યો હતો. કોલકાતા હાઇકોર્ટે ચૂંટણી પંચ પોતાની ફરજ બજાવવામાં સદંતર નિષ્ફળ ગયું હોવાની જણાવી રીતસર પંચનો ઉધડો લીધો હતો.