સાપ્તાહિક અને ન્યુઝ ચેનલની આડમાં નકલી નોટ છાપવાનું ષડ્યંત્ર
પહેલા પણ નોટ છાપી હતી પણ પકડાઈ ગયા હતા..પછી વ્યાજ વટાવના ધંધામાં ખોટ ગઈ એટલે સાપ્તાહિક અને ચેનલ શરુ કરી
સુરતમાંથી નકલી નોટોનું કારખાનું ઝડપાયુંઃ યુ-ટ્યુબમાં વીડિયો જોઇ નકલી નોટો બનાવવાનું શરૂ કર્યું, પોલીસે બે મહિના વોચ રાખી અને ફેરીયા બની ત્રણ આરપીઓને ઝડપ્યા
સુરતમાં સાપ્તાહિક અખબાર અને ન્યુઝ ચેનલની આડમાં નકલી નોટ છાપવાનું ષડ્યંત્ર પોલીસે પકડી પાડ્યુ છે. પોલીસે આ બનાવમાં 3 આરોપીઓની ધરપકડ કરી 9,36,100ની હાઈ ક્વોલીટી ડુપ્લીકેટ ચલણી નોટો તથા નોટો છાપવાની સામગ્રી કબજે કરી છે. આરોપીઓને પકડવા માટે પોલીસે ફેરિયાઓ બની છેલ્લા બે મહિનાથી વોચ રાખી હતી.
સુરતમાં પીસીબી અને એસઓજીની ટીમે લીંબાયત સ્થિત મારુતિનગર પાસે આવેલી “સુરત હેરાલ્ડ સાપ્તાહિક” અખબાર તથા SH ન્યુઝ 24 X 7 ચેનલની ઓફિસમાં દરોડો પાડ્યો હતો. જ્યાંથી પોલીસે ફિરોજ સૂપડુ શાહ (ઉ.46) બાબુલાલ ગંગારામ કપાસિયા (ઉ.41) અને સફીકખાન ઈસ્માઈલખાન (ઉ.53) ને ઝડપી પાડ્યા હતા.
પોલીસને ઓફિસમાંથી બનાવટી ચલણી નોટો છાપવાનું મીની કારખાનું મળી આવ્યું હતું જ્યાંથી પોલીસે રૂ.9,36,100/- ની બનાવટી ચલણી નોટો ઉપરાંત નોટ છાપવા માટે ઉપયોગમાં લીધેલ પેપર નંગ-3110, એક કલર પ્રિંટર, કટર મશીન નંગ-2, લીલા રંગની શાહી વાળી બોલપેન અને ઇન્ક બોટલ, ન્યુઝ ચેનલનુ પ્રેસ આઈ.કાર્ડ, ઇન્ટરવ્યુના માઈક નંગ-4 વિગેરે મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.
આરોપીઓ પૈકી મુખ્ય આરોપી ફિરોજ સુપડુ શાહની પુછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે, તે અગાઉ સને-2015માં ઝારખંડના ઘનબાદ ખાતે બનાવટી ચલણી નોટો લેવા માટે ગયો અને ત્યા પોલીસે તેને રૂ.,35,000/- ની બનાવટી ચલણી નોટો સાથે પકડાઈ ગયો હતો અને આ કેસમાં પોતે બે વર્ષ જેલમાં રહ્યો હતો અને બાદમાં હાઈકોર્ટમાંથી જામીન મેળવી બહાર આવ્યો હતો. બે વર્ષ પહેલા વ્યાજ વટાવ બાબતેનુ લાયસન્સ લીધું હતું અને તેમા પણ પૈસા ડુબી ગયા હતા અને ત્યારબાદ પોતાની ન્યુઝ ચેનલ છ મહિના પહેલા શરૂ કરી હતી.
તેને પાંચ લાખ જેટલુ દેવું થઈ ગયું હતું અને ઉઘરાણી વાળા હેરાન કરતા હતા. જે દરમિયાન તેની મુલાકાત મધ્યપ્રદેશ ખાતે રહેતા અન્ય બે આરોપીઓ સાથે થઇ હતી અને તેઓએ બનાવટી ચલણી નોટ છાપવાનો આઈડીયા આપ્યો હતો. તેઓ સુરત ખાતે આવી નોટો છાપવામાં તેમજ બજારમાં ફરતી કરવા ગ્રાહકો શોધવામાં મદદ કરશે તેમ જણાવ્યું હતું.
તેણે યુ-ટ્યુબ ઉપર નોટો કેવી રીતે છાપવી તે બાબતેના વીડિયો જોયો હતો અને ઉછીના પૈસા લઈ કલર પ્રિન્ટર, શાહી, નોટો છાપવા માટે તેને ભળતા આવતા કાગળો વિગેરે ખરીદી કરી પોતાની ન્યુઝ ચેનલની ઓફીસમાં ચલણી નોટો છાપવાનુ ચાલુ કર્યું હતું અને નોટો છાપવા આજરોજ તેની ઓફીસમાં ત્રણેય ભેગા થયેલ ત્યારે પોલીસે રેડ કરી ઝડપી પાડ્યા હતા.
વધુમાં આરોપીઓને રંગેહાથ પકડવા માટે એસ.ઓ.જી./ પી.સી.બી. ના પોલીસ સ્ટાફે વેશપલટો કરી ફેરીયાઓ બની શાકભાજીની લારી, કપડાની લારી, ફૃટની લારી, નાસ્તાની લારીઓ ઉપર આરોપીની ઓફીસની આજુબાજુના વિસ્તારમાં ફરી છેલ્લા બે મહિનાથી વોચ રાખવામાં આવી હતી.
બનાવ અંગે ડીસીપી રાજદીપ સિહ નકુમએ જણાવ્યું હતું કે ફિરોજ સુપડુ શાહ વર્ષ 2015 માં ઝારખંડમાં બોગસ નોટના એક કેસમાં પકડાયો હતો અને ત્યારબાદ હાઈકોર્ટમાંથી જામીન મેળવી તે બહાર આવ્યો હતો ત્યારબાદ તે ગુજરાતમાં આવી સુરતના લીંબાયતમાં આવીને પહેલા જમીન દલાલીનું કામ કરતો હતો અને ત્યારબાદ વ્યાજનું લાયસન્સ મેળવી વ્યાજ વટાવનો ધંધો કરતો હતો પરંતુ તેમાં તેને ખોટ ગયી હતી અને બાદમાં પોતાના અને કુટુબીજનોના ઓપરેશન દરમ્યાન તેને 5 લાખનો ખર્ચ થયો હતો ત્યારબાદ તેણે બેએક મહિનાથી આ કામકાજ શરુ કર્યું હતું. પ્રાથમિક તપાસમાં કાગળ અને ઇન્ક તેઓ મધ્યપ્રદેશથી લાવતા હતા, પ્રાથમિક પૂછપરછમાં તેઓએ 4 લાખ જેટલી નોટો છાપીને ડીલવરી પણ આપી છે અને કઈ રીતે તેનો ઉપયોગ થયો તે મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
વધુમાં જણાવ્યું હતું કે આરોપીઓ કાગળો અને શાહી મધ્યપ્રદેશથી લાવતા હતા તે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. તેમજ ઝડપાયેલા અન્ય બે આરોપીઓ બાબુલાલ ગંગારામ કપાસિયા (ઉ.41) અને સફીકખાન ઈસ્માઈલખાન (ઉ.53) તેઓ મધ્યપ્રદેશના રહેવાસી છે. ગતરોજ તેઓ ઇન્ક અને પેપર આપવા અને ડીલેવરી લેવા આવ્યા હતા અને ઝડપાઈ ગયા હતા. આરોપીઓએ નોટ ક્યાં અને કેવી રીતે વટાવી તે મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.