ગરીબી ગળી ગઈ ૩ જિંદગી !!
પહેલાં સ્યુસાઈડ નોટમાં લખ્યું ખુદાના ઘરમાં જઈએ છીએ' પછી ખુદાનાં દીદાર કર્યા'ને મોત મીઠું કર્યું
ભગવતીપરામાં રહેતાં પરિવારે તબીબી ખર્ચ-રિક્ષાના ધંધામાં મંદીથી કંટાળી પડધરીના રામપર પાસે સરકારી ખરાબામાં કર્યો સામૂહિક આપઘાત
પત્નીને વારંવાર લોહી ઉડી જવાની બીમારી હોય તેમનાં ખર્ચને પહોંચી શકાતું ન હોવાનો સ્યુસાઈડ નોટમાં ઉલ્લેખ: માતા-પિતા-પુત્રના આપઘાતથી સનસનાટી
શહેરના ભગવતીપરામાં રહેતાં મુસ્લિમ પરિવારે પડધરીના રામપર પાસે આવેલા સરકારી ખરાબામાં ઝેરી દવા ગટગટાવી સામૂહિક આપઘાત કરી લેતાં સનસનાટી મચી જવા પામી છે. પરિવાર છેલ્લા ઘણા સમયથી તબીબી ખર્ચ તેમજ મંદી સામે ઝઝૂમી રહ્યો હોય તેમાંથી બહાર નીકળવાનો કોઈ જ રસ્તો નહીં સૂઝતાં અંતિમ પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે. મૃતક પાસેથી સ્યુસાઈડ નોટ મળી આવી છે જેમાં
ખુદાના ઘરમાં જઈએ છીએ’ તેવું લખાણ લખેલું છે.
આ અંગે વધુમાં જાણવા મળ્યા પ્રમાણે ભગવતીપરામાં ભાડાના મકાનમાં રહેતા કાદરભાઈ અલીભાઈ મુકાસમ (ઉ.વ.૬૨), પત્ની ફરીદાબેન કાદરભાઈ મુકાસમ (ઉ.વ.૫૮) અને તેમનો પુત્ર આસીફ કાદરભાઈ મુકાસમ (ઉ.વ.૩૫)ના રામપર પાસેના સરકારી ખરાબામાંથી મૃતદેહ મળી આવતાં પડધરી પોલીસ મથકના પીએસઆઈ જી.જે.ઝાલા સહિતનો સ્ટાફ દોડી ગયો હતો.
પ્રાથમિક તપાસમાં ખુલ્યા પ્રમાણે આખોયે પરિવાર ભાડાની રીક્ષા નં.જીજે૩બીએક્સ-૦૨૮૫માં પહેલાં પડધરી પાસે આવેલી લાલશા બાબાની દરગાહ પર ગયો હતો જ્યાં દીદાર કર્યા હતા. આ પછી પરત ફરતી વખતે રામપર પાસે સરકારી ખરાબામાં લોકોની કોઈ જ અવર-જવર ન હોવાથી ત્યાં ઝેરી દવા ગટગટાવી લીધી હતી જેના કારણે સ્થળ પર જ ત્રણેયના તરફડીને મૃત્યુ નિપજ્યા હતા. ફરીદાબેન છેલ્લા ઘણા સમયથી બીમાર હોય તેમને વારંવાર લોહી ઉડી જતું હતું જેનો ખર્ચ બહુ જ આવતો હોય તે ઉપરાંત કાદરભાઈ છેલ્લા ૩૫ વર્ષથી ભાડાની રિક્ષા ચલાવી રહ્યા હતા જે ધંધો બરાબર ન ચાલતો હોય આ બધાની કંટાળીને અંતિમ પગલું ભરી લીધાનું જાણવા મળી રહ્યું છે.
વધુમાં એવો પણ ખુલાસો થયો છે કે મૃત્યુને ભેટેલો આસીફ મુકાસમ ઘરે બેસીને જ ઈમિટેશનનું કામ કરતો હતો અને તેના પિતા કાદરભાઈ બટુકભાઈ કાબાણીની રિક્ષા ભાડે ચલાવી રહ્યા હતા તેવું મૃતક કાદરભાઈના ભાઈ મહમ્મદ મુકાસમે જણાવ્યું હતું. આ પરિવાર છેલ્લા વર્ષોથી ભગવતીપરામાં ભાડાના મકાનમાં રહેતા હતા.
સ્થળ પરથી ઝેરી દવાની બોટલ ન મળી
પોલીસે ઘટનાસ્થળની તપાસ કરતાં ત્યાંથી ઝેરી દવાની કોઈ બોટલ મળી આવી ન હોવાનું સામે આવ્યું છે ત્યારે એવું પણ બની શકે કે આ પરિવારે રસ્તામાં ક્યાંય દવા ગટગટાવી લીધા બાદ તેની બોટલ ફેંકી દીધી હોય અને જીવનની છેલ્લી ઘડીઓમાં રામપર પાસે ખરાબાની જગ્યામાં રિક્ષા થંભાવી દીધી હોય. હવે આ પરિવારે ઝેરી દવા પીને જ જીવન ટૂંકાવ્યું છે કે પછી બીજું કોઈ કારણ છે તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે.