સરકારી જમીનમાં ઉભા થયેલા ધર્મસ્થાનો મામલે પુરાવા માંગતું તંત્ર
રાજકોટ જિલ્લામાં 22 લાખ ચોરસ મીટર જમીન ઉપર ધાર્મિક દબાણ
રાજકોટ : સમગ્ર ગુજરાત રાજ્યમાં સરકારી જગ્યાઓ ઉપર તેમજ રોડ-રસ્તામાં નડતરરૂપ ધાર્મિક દબાણો હટાવવાનો મામલો ગુજરાત હાઇકોર્ટમાં ચાલી રહ્યો છે અને અગાઉ ગૃહ વિભાગે એફિડેવિટ રજૂ કર્યા બાદ હાઇકોર્ટે ધર્મસ્થાનો અંગે અત્યાર સુધીમાં થયેલી કાર્યવાહી અંગે જવાબ માંગતા હાલમાં શહેરી વિકાસ વિભાગ, રેવન્યુ અને ગૃહવિભાગ દ્વારા તમામ જિલ્લાઓમાંથી વિગતો માંગવામાં આવી હોવાનું જાણવા મળે છે સાથે જ નગરપાલિકા વિસ્તારમાં નોટિસો ફટકારવાનું પણ શરૂ કરાયું હોવાનું તેમજ રાજકોટ જિલ્લામાં 22 લાખ ચોરસ મીટર જમીનો ઉપર ધાર્મિક દબાણો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ સમગ્ર રાજ્યમાં જાહેર સ્થળો પર ખડકાઈ ગયેલા ગેરકાયદે ધાર્મિકસ્થાનોને સમયમર્યાદા તબક્કાવાર હટાવવા અંગે હાઇકોર્ટે કરેલા આદેશ બાદ એપ્રિલ માસમાં હાથ ધરાયેલી સુનાવણીમાં ગુજરાત સરકારની નિષ્ક્રિયતા પર હાઇકોર્ટ સખત બની હતી. અદાલતે આ બાબતએ ગૃહ સચિવનો જવાબ માંગ્યો હતો. ખાસ કરીને ધાર્મિક દબાણોના કિસ્સામાં સુપ્રીમકોર્ટના દિશાનિર્દેશ વચ્ચે હાઇકોર્ટ દ્વારા શહેરી વિકાસ વિભાગ, રેવન્યુ અને ગૃહવિભાગ શહેરી વિકાસ વિભાગ, રેવન્યુ અને ગૃહવિભાગ પાસેથી વર્તમાન સ્થિતિ અંગેની વિગતો માંગવામાં આવતા હાલમાં નગરપાલિકા વિસ્તારમાં તમામ ધર્મના ધાર્મિક દબાણો અંગે નોટિસ પાઠવી જગ્યાની માલિકીના પુરાવા સહિતની વિગતો મંગાવામાં આવી રહી હોવાનું જાણવા મળે છે.
ઉલ્લેખનીય છે કે, વર્ષ 2009માં સુપ્રીમ કોર્ટમાં ધાર્મિક દબાણનો મામલો સામે આવ્યા બાદ તમામ રાજ્યોની હાઇકોર્ટને ધાર્મિક દબાણનો મામલો સોંપવામાં આવ્યો હોવાનું અને જે જે દબાણો જુના અને રેગ્યુલાઇઝડ થઇ શકે તેમ હોય તેને આઈડેન્ટિફાય કરવાની સાથે નડતરરૂપ દબાણો હટાવાની કામગીરીનું મોનીટરીંગ કરવા જવાબદારી સોંપવામાં આવી હતી, બીજી તરફ લાંબા સમયથી રાજ્યમાં ધાર્મિક દબાણોને લઈ કોઈ નક્કર કાર્યવાહી થઇ ન હોય એપ્રિલ માસમાં હાઇકોર્ટે સુનાવણી હાથ ધરી નક્કર કાર્યવાહી કરવા આદેશ કરી જવાબ માંગતા હાલમાં ધર્મસ્થાનના દબાણોને લઈ તંત્ર હરકતમાં આવ્યું હોવાનું અને નગરપાલિકા વિસ્તારમાં ધડાધડ નોટિસો પણ આપવામાં આવી રહી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. મોરબી જિલ્લામા હાલ મોરબી શહેરમાં 49 દબાણ તેમજ વાંકાનેરમાં આવા 23 દબાણો ઓળખી કાઢી માલિકીના પુરાવા સહિતની વિગતો માંગવામાં આવી હોવાનું જાણવા મળે છે.