ભગવાન જગન્નાથ મોદીના ભક્ત છે: સંબિત પાત્રાએ ભાંગરો વાટ્યો
બાદમાં જીભ લપસી ગઈ હોવાનો બચાવ કરી ત્રણ દિવસના ઉપવાસની જાહેરાત કરી
વિપક્ષના ત્રીજી કે ચોથી હરોળના નેતાઓના નિવેદનોને પણ રાયનો પહાડ બનાવીને રાષ્ટ્રીય મુદ્દો બનાવી દેવાની કળામાં આમ તો ભાજપને કોઈ પહોંચે તેમ નથી પણ ઓડિશાના એક કિસ્સામાં એ કળામાં પીએચડી ની ડીગ્રી ધરાવતા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા અને પુરીની બેઠકના ઉમેદવાર સંબિત પાત્રા ખુદ બહુ ખરાબ રીતે ભેરવાઈ ગયા હતા.
પુરીમાં વડાપ્રધાન મોદીના રોડ શો બાદ અતિ ઉત્સાહમાં આવી ગયેલા પાત્રાએ એક ચેનલને બાઈટ આપતી વેળાએ ભગવાન જગન્નાથ પણ મોદીના ભક્ત હોવાનું જણાવી દીધું. એ વિડીયો વાયરલ થયા બાદ લોકોનો રોષ ભભુકી ઉઠ્યો. ખુદ ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે પણ એ મુદ્દો ઉપાડી લીધો. ચારે બાજુથી ઘેરાઈ ગયેલા પાત્રા ખુલાસા પર ખુલાસા કરવા લાગ્યા અને અંતે પ્રાયશ્ચિતરૂપે ત્રણ દિવસના ઉપવાસ કરવાની જાહેરાત કરી. જોકે ખુલાસા કર્યે બગડેલી બાજી સુધારી શકાતી નથી એ ન્યાયે ઓડિશામાં પણ લોકો પાત્રાને માફ કરવા તૈયાર નથી. ઓડિશામાં આ વખતે ભાજપ માટે સાનુકૂળ વાતાવરણ હતું પણ સંબિત પાત્રાના બફાટને કારણે ભાજપ બેક ફૂટ પર આવી ગયો છે.
શું કર્યું હતું પાત્રાએ અને શું ખુલાસો કર્યો?
પાત્રા એ કહ્યું હતું,” મોદીને જોવા માટે લાખો લોકો ઉમટી પડ્યા છે. ભગવાન જગન્નાથ મોદીના ભક્ત છે અને અમે બધા મોદીનો પરિવાર છીએ. હું મારી લાગણીને કાબુમાં રાખી શકતો નથી આજનો દિવસ ઓડિશા માટે ખૂબ મહત્વનો છે.” વિવાદ વધ્યા બાદ તેમણે કહ્યું કે મેં આજે ઘણી ચેનલોને બાઈટ આપી હતી અને બધામાં મેં કહ્યું હતું કે મોદી ભગવાન જગન્નાથના ભક્ત છે પણ એક વખત ભૂલમાં મારી જીભ લપસી ગઈ. તેમણે લોકોને આ ઘટનાને મુદ્દો ન બનાવવાની અપીલ કરી.
નવીન પટનાયકે તક ઝડપી લીધી
ઓદિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક આમ તો તેમના ગરીમાપૂર્ણ વાણી વર્તન માટે જાણીતા છે પણ ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ અને નરેન્દ્ર મોદીએ તેમના પર કરેલા વ્યક્તિગત પ્રહારો બાદ નવીન પટનાયકે પણ વળતો પ્રહાર કરવાની તક ઝડપી લીધી હતી. તેમણે કહ્યું,” ભગવાન જગન્નાથ આખા બ્રહ્માંડના ભગવાન છે. તેઓ ઓડિસાની અસ્મિતાનું પ્રતીક છે. મહાપ્રભુજીને કોઈ માનવીના ભક્ત કહેવું એ વખોડવા લાયક છે. હું ભગવાનને રાજકારણથી દૂર રાખવા ભાજપને વિનંતી કરું છું. આવા દ્વારા દ્વારા ભાજપે ઓડિશાની અસ્મિતા પર પ્રહાર કર્યો છે અને ઓડીસાના લોકો લાંબો સમય સુધી તે ભૂલી શકશે નહીં.”
વિપક્ષોને મસાલો મળી ગયો
ઓડિશા કોંગ્રેસે કહ્યું કે સંબિત પાત્રાએ મહાપ્રભુજીને મોદીના ભક્ત ગણાવીને ઓડિસાની અસ્મિતા પર પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આવા નિવેદનો ભાજપની અંદરના આત્મ ઉત્સાહનું જોખમી સ્તર સૂચવે છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રી ને તે કહ્યું કે હવે ભગવાન પણ મોદીના ભક્ત થઈ ગયા છે! ભાજપને થઈ શું ગયું છે? આપણા ભગવાનનું આવું અપમાન? અરવિંદ કેજરીવાલે આ નિવેદનને ઘમંડની ઊંચાઈ અને ઈશ્વરના અપમાન સમાન બનાવ્યું