કિર્ગિસ્તાનમાં વિદેશી છાત્રો પર હુમલા : 3 પાક.વિદ્યાર્થીના મોત
ભારતીય વિદ્યાર્થીઓને ઘરમાં જ રહેવાની સલાહ
કિર્ગિસ્તાનના પાટનગર બિશકેકમાં વિદેશી વિદ્યાર્થીઓ વિરુદ્ધ તોફાનો ફાટી નીકળતા ભારે ભયનો માહોલ છવાયો છે. સ્થાનિક લોકો અને વિદ્યાર્થીઓએ પાકિસ્તાની છાત્રો ઉપર કરેલા હુમલાઓ બાદ ભારતની રાજદૂત કચેરી તથા વિદેશ મંત્રી જયશંકરે ભારતીય વિદ્યાર્થીઓને પોતાના ઘરમાં જ રહેવાની સલાહ આપી હતી. આ હુમલામાં ત્રણ પાકિસ્તાની વિદ્યાર્થીઓના મૃત્યુ થયા હતા. જોકે પાકિસ્તાન કે કિર્ગિસ્તાનની સરકારે મૃત્યુ થયા હોવાના અહેવાલોને પુષ્ટિ નહોતી આપી.
પાકિસ્તાની રાજદૂત કચેરીના જણાવ્યા અનુસાર 13 મે ના રોજ કિર્ગીસ્તાન અને ઇજિપ્તના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી મારામારીના વિડીયો વાયરલ થયા બાદ વાતાવરણ સ્ફોટક બન્યું હતું. હજારો લોકોના ટોળાએ મેડિકલ કોલેજની વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલ પર હુમલા કર્યા હતા. નોંધનીય છે કે બીશકેકમાં મોટી સંખ્યામાં ભારત,પાકિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પ્રાપ્ત વિગતો મુજબ તોફાની ટોળાએ માત્ર હોસ્ટેલ જ નહીં પરંતુ વિદ્યાર્થીઓ રહેતા હોય એ મકાનો ઉપર પણ હુમલા કર્યા હતા. કિર્ગિસ્તાનમાં 15000 ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે અને આ ઘટનાને પગલે ભારતમાં વસતા તેમના વાલીઓના જીવ અધ્ધર ચડી ગયા છે.
હુમલાની આ ઘટનાઓ બાદ ભારતીય રાજુદ કચેરીએ એડવાઈઝરી બહાર પાડી વિદ્યાર્થીઓ તથા નાગરિકોને પોતાના ઘરમાં જ રહેવાની અને રાજદૂત કચેરી સાથે સંપર્કમાં રહેવાની એડવાઈઝરી જાહેર કરી હતી. કિર્ગિસ્તાન સરકારે પરિસ્થિતિ હવે શાંત હોવાનો દાવો કર્યો હતો.