વિભવે 7-8 વાર થપ્પડ મારી, મારા કપડાં ફાટી ગયા, તે લાતો મારતો રહ્યો..!!
સ્વાતી માલીવાલે વર્ણવ્યો આખો ઘટનાક્રમ : દિલ્હીની પોલીસે કેજરીવાલના પી.એ.વિભવ કુમાર વિરુદ્ધ FIR નોંધી
દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે દુર્વ્યવહારના મામલામાં પોલીસે FIR નોંધી છે. સ્વાતિએ સીએમ કેજરીવાલના અંગત સચિવ વિભવ કુમાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. સ્વાતિ માલીવાલે આખી ઘટનાનું વર્ણન કરતા જણાવ્યું હતું કે, તેને લાતો મારવામાં આવી હતી. પેટ અને શરીર પર પણ હુમલો થયો છે. સ્વાતિએ દિલ્હી પોલીસને ચાર દિવસ પહેલા કરેલા પીસીઆર કોલ વિશે પણ વિગતવાર માહિતી આપી છે.
દિલ્હી પોલીસે ગુરુવારે હુમલો, છેડતી અને ધમકાવવાની કલમો હેઠળ એફઆઈઆર નોંધી છે. જે બાદ મોડી રાત્રે સ્વાતિની મેડિકલ તપાસ કરવામાં આવી હતી. આજે સ્વાતી માલીવાલે મેજિસ્ટ્રેટ સમક્ષ કલમ ૧૬૪ હેઠળ નિવેદન પણ આપ્યું હતું. .
સ્વાતિ માલીવાલે પોલીસને આપેલા પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, મારી તરફથી કોઈપણ પ્રકારની ઉશ્કેરણી કર્યા વિના તેણે (વિભવ) મને થપ્પડ મારવાનું શરૂ કર્યું. હું ચીસો પાડતી રહી. . તેણે મને ઓછામાં ઓછા 7-8 વાર થપ્પડ મારી. હું સંપૂર્ણ આઘાતમાં હતી અને મદદ માટે વારંવાર ચીસો પાડતી હતી છતાં મને નિર્દયતાથી મારવાનું ચાલુ રાખ્યું હતું. વિભવને લીધે મારા કપડા ફાટી ગયા હતા અને મને ખૂબ પીડા થઈ રહી હતી અને હું તેને રોકવા માટે વિનંતી કરતી રહી. મેં તેને વારંવાર કહ્યું કે મને પીરિયડ્સ આવી રહ્યા છે , મને ખૂબ જ પીડા થઈ રહી છે. જો કે, તેણે જરાય દયા ન બતાવી અને સંપૂર્ણ બળ સાથે ફરીથી હુમલો કરવાનું ચાલુ રાખ્યું. આ પછી હું કોઈ પણ રીતે ત્યાંથી નાસી છૂટવામાં સફળ થઇ હતી અને 112 પર ફોન કરીને ઘટનાની જાણ કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે 13 મેના રોજ સ્વાતિ માલીવાલ તેમની પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને મળવા માટે તેમના ઘરે પહોંચી હતી. સ્વાતિએ ફરિયાદમાં દાવો કર્યો છે કે જ્યારે તે ડ્રોઈંગ રૂમમાં રાહ જોઈ રહી હતી ત્યારે બિભવે તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું. આ હુમલો કોઈપણ ઉશ્કેરણી વગર થયો હતો, ત્યારબાદ સ્વાતિએ પીસીઆર કોલ કરીને પોલીસને જાણ કરી હતી. બાદમાં સ્વાતિ પણ પોલીસ સ્ટેશન પહોંચી હતી. જોકે, બાદમાં તેણી ફરિયાદ પત્ર રજૂ કરશે તેમ કહીને જતી રહી હતી.
દરમિયાન, રાષ્ટ્રીય મહિલા આયોગે દિલ્હી પોલીસને નોટિસ મોકલીને ત્રણ દિવસમાં કાર્યવાહીનો અહેવાલ માંગ્યો છે. આ જ અહેવાલની તૈયારીના સંદર્ભમાં, ગુરુવારે, એડિશનલ પોલીસ કમિશનર પીએસ કુશવાહાની આગેવાનીમાં બે સભ્યોની ટીમ મધ્ય દિલ્હીમાં સ્વાતિ માલીવાલના ઘરે પહોંચી હતી. પોલીસની ટીમ લગભગ સાડા ચાર કલાક સુધી સ્વાતિના ઘરે હાજર રહી. જે બાદ સ્વાતિએ અરજીમાં 13 મેના રોજ બનેલી ઘટનાની સંપૂર્ણ વિગતો લખી હતી અને મોડેથી ગુનો નોંધ્યો હતો. પોલીસે દિલ્હીના સિવિલ લાઇન્સ પોલીસ સ્ટેશનમાં IPC કલમ 354 (છેડતી), 506 (જાનથી મારી નાખવાની ધમકી), 509 (અભદ્ર ટિપ્પણી કરવી), 323 (હુમલો) હેઠળ FIR નોંધી છે.
FIR નોંધાયા બાદ દિલ્હી પોલીસની 10 જેટલી ટીમો સમગ્ર મામલાની તપાસમાં લાગેલી છે, જેમાંથી ચાર ટીમો વિભવનું લોકેશન શોધી રહી છે. સૌ પ્રથમ તો પોલીસ સમગ્ર ઘટનાની સમયરેખા બનાવી રહી છે.
મારા સિવાય ઘણા મુદ્દા અગત્યના છે : સ્વાતી માલીવાલ
સ્વાતિ માલીવાલે X પર પોસ્ટ કર્યું છે. તેણે લખ્યું, મારી સાથે જે પણ થયું તે ખૂબ જ ખરાબ હતું. મારી સાથે બનેલી ઘટના અંગે મેં પોલીસને મારું નિવેદન આપ્યું છે. મને આશા છે કે યોગ્ય પગલાં લેવામાં આવશે. છેલ્લા દિવસો મારા માટે ખૂબ જ મુશ્કેલ હતા. પ્રાર્થના કરનારાઓનો હું આભાર માનું છું. જેમણે પાત્રની હત્યાનો પ્રયાસ કર્યો, તેઓએ કહ્યું કે તેઓ અન્ય પક્ષના કહેવા પર આ કરી રહ્યા છે, ભગવાન તેમનું પણ ભલું કરે. દેશમાં મહત્વની ચૂંટણીઓ ચાલી રહી છે. સ્વાતિ માલીવાલ જરૂરી નથી. રાષ્ટ્રીય મુદ્દાઓ મહત્વપૂર્ણ છે. ભાજપના લોકોને ખાસ વિનંતી છે કે આ ઘટના પર રાજકારણ ન કરો.
તમામને પાઠ ભણાવીશ, નોકરી ખાઇ જઇશ: વીડિયો વાયરલ
સ્વાતિ માલીવાલના કેસમાં 13 મેની ઘટનાનો પહેલો વીડિયો સામે આવ્યો છે. જેમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના પીએ વિભવ કુમાર પણ જોવા મળી રહ્યો છે. સુરક્ષાકર્મીઓ સ્વાતિ સાથે વાત કરી રહ્યા છે. આ દરમિયાન સ્વાતિ માલીવાલ કહી રહી છે કે તે બધાને પાઠ ભણાવશે. હું નોકરી ખાઇ જઇશ. સ્વાતિ માલીવાલ પણ વિભવને અપશબ્દો બોલતી જોવા મળી રહી છે
સ્વાતિ માલીવાલ કહી રહી છે કે મેં પોલીસને કોલ કરી દીધો છે. એવામાં પોલીસને આવવા દો.
આ વીડિયો સામે આવતાં સ્વાતિ માલીવાલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે દર વખતની જેમ આ વખતે પણ આ રાજકીય હિટમેને પોતાને બચાવવાનો પ્રયાસ શરૂ કરી દીધો છે.તેણે કહ્યું હતું કે ઘરના અંદરની અને રૂમની સીસીટીવી ફૂટેજની તપાસ થતા જ સત્ય તમામની સામે આવશે. ભગવાને બધુ જ જોયું છે. એક દિવસ સત્ય દુનિયાની સામે આવશે.