કોંગ્રેસ બાબરી તાળું લગાવશે એવું મેં કદી કહ્યું જ નથી: મોદી
જાહેર સભામાં બોલ્યા બાદ ફેરવી તોળ્યું
કોંગ્રેસ રામ મંદિર ઉપર બાબરી તાળું લગાવી દેશે એવું ઉચ્ચારણ પોતે કદી કર્યું જ ન હોવાનો વડાપ્રધાન મોદીએ દાવો કર્યો હતો. એક પત્રકાર સાથેના ઇન્ટરવ્યૂમાં તેમણે આ ખુલાસો કરતા ભારે આશ્ચર્ય સર્જાયું છે.
વડાપ્રધાન મોદીએ 7મી મે એ મધ્યપ્રદેશના ખારગોન અને ધારમાં જાહેર સભાને સંબોધિતથી વેળા કહ્યું હતું કે,’ મોદીને 400 બેઠકો જોઈએ છે જેથી કોંગ્રેસ રામ મંદિરને ફરી બાબરી તાળું ન લગાવી દે’
તેમના આ નિવેદને ભારે વિવાદ સર્જ્યો હતો. એ દરમિયાન એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું કે મારું આવું કોઈ નિવેદન છે જ નહીં.તેમણે પોતાના મોઢામાં આવા શબ્દો ન મૂકવા માટે પણ પત્રકારને જણાવ્યું હતું. વડાપ્રધાન કરેલા આ ખુલાસા બાદ રાજસ્થાનની સભાઓની વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ધૂમ મચાવી રહી છે.
વડાપ્રધાનના આ નિવેદનો ભારે ચર્ચાસ્પદ બન્યા
મંગલસૂત્ર અને ભેંસ ઉપરાંત વડાપ્રધાને કરેલા કેટલાક નિવેદનો ભારે ચર્ચાસ્પદ બન્યા છે. ખાસ કરીને અદાણી અને અંબાણી દ્વારા કોથળામાં ભરીને અને ટેમ્પો ભરી ભરીને કાળું નાણું કોંગ્રેસને તો મોકલવામાં નથી આવતું ને? તેવો તેમણે કરેલો સવાલ ભારે વિવાદાસ્પદ બન્યો હતો. જોકે ત્યાર પછીની એક પણ સભામાં તેમણે એ મુદ્દા નું ઉચ્ચારણ કર્યું નથી. એ જ રીતે એ ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું કે હું કદી હિન્દુ મુસલમાનની વાતો નથી કરતો. જોકે તેના બીજા જ દિવસે જાહેર સભામાં તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ બજેટની 15% રકમ મુસ્લિમોને ફાળવવા માંગતી હોવાનો આક્ષેપ કર્યો હતો.