રાજકોટના પાટીદાર વિસ્તારમાં સૌથી વધુ મતદાન: કોને નડશે, કોને ફળશે ?
૧૮ વોર્ડમાં સૌથી વધુ વોર્ડ નં.૧૧માં ૬૨.૯૫% મતદાન, આ વિસ્તારમાં લેઉવા-કડવા પાટીદારની વસતી વધારે
સુવિધાથી હંમેશા વંચિત રખાયાની ફરિયાદ કરતાં વોર્ડ નં.૧૮માં શહેરનું સૌથી ઓછું ૫૪.૨૦%: પાટીદાર વિસ્તાર' તરીકે જાણીતા વોર્ડ ૮, ૧૦માં પણ ભારે મત પડ્યા
લોકસભા ચૂંટણી પૂર્ણ થતાંની સાથે જ કયા વિસ્તારમાં કેટલા મત પડ્યા, કેટલા તરફેણમાં પડ્યા'ને કેટલા વિરુદ્ધમાં પડ્યા તેની ગણતરી ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટ શહેરની વાત કરવામાં આવે તો અહીં ૧૮ વોર્ડ છે જેના કુલ ૧૧,૭૧,૩૬૭ મતદારોમાંથી ૬,૭૮,૨૧૩ મતદારોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે. આ રીતે ૧૮ વોર્ડમાં કુલ ૫૭.૯૦% મતદાન નોંધાયું હોવાનું જાણવા મળી રહ્યું છે.
ખાસ કરીને રાજકોટના પાટીદાર વિસ્તારમાં સૌથી વધુ મતદાન થયું હોવાથી આ મતદાન કોને નડશે અને કોને ફળશે તેને લઈને રાજકીય પંડિતો અત્યારથી જ અનુમાન વ્યક્ત કરતા થઈ ગયા છે. આંકડવાઈઝ વાત કરીયે તો રાજકોટમાં સૌથી વધુ મતદાન વોર્ડ ૧૧માં થયું છે. અહીં કુલ ૮૪,૪૬૦ મતદારોમાંથી ૫૩૧૭૦એ મત આપ્યા છે ત્યારે અહીંનું મતદાન ૬૨.૯૫% નોંધાયું છે. આ રીતે ૧૮ વોર્ડમાં સૌથી વધુ મતદાન વોર્ડ નં.૧૧માં થયું છે જ્યાં લેઉવા અને કડવા પાટીદારની વસતી વધારે છે. આ જ રીતે સૌથી ઓછા મતદાનની વાત કરીયે તો સુવિધાથી હંમેશા વંચિત રખાયાની ફરિયાદ કરતા વોર્ડ નં.૧૮ કે જે કોઠારિયા વિસ્તાર તરીકે ઓળખાય છેત્યાં ૭૧૩૧૫માંથી ૩૮૬૫૭એ પોતાનો મત આપ્યો છે. આ રીતે અહીં ૫૪.૬% મતદાન થયું છે. આ ઉપરાંતપાટીદાર વિસ્તાર’ તરીકે જાણીતા વોર્ડ નં.૧૦ અને વોર્ડ નં.૧૧માં પણ ભારે મત પડ્યા છે. વોર્ડ નં.૮માં ૪૦૮૦૧ અને વોર્ડ નં.૧૦માં ૩૬૫૪૪એ પોતાનો મત આપ્યો છે.
મેયરના વોર્ડમાં ૨૬૮૬૯, ધારાસભ્ય, સ્ટે.ચેરમેનના વોર્ડમાં ૨૫૩૧૮એ મત ન આપ્યો
વોર્ડવાઈઝ વાત કરવામાં આવે તો રાજકોટના મેયર નયનાબેન પેઢડિયાના વોર્ડ નં.૪માં કુલ ૬૬૧૬ મતદારો છે જેમાંથી ૩૯૨૪૭એ જ મત આપ્યો છે મતલબ કે અહીંથી ૨૬૮૬૯ લોકોએ મત આપવાનું ટાળ્યું છે. આ જ રીતે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર અને ધારાસભ્ય ડૉ.દર્શિતા શાહના વોર્ડ નં.૨ના કુલ ૫૬૨૭૯ મતદારોમાંથી ૩૦૯૬૧એ મત આપ્યો છે. આ રીતે અહીં ૨૫૩૧૮ મતદારો મત આપવા આવ્યા જ નથી. જ્યારે ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાના વોર્ડ નં.૩માં ૩૮૯૭૯એ મત આપ્યો નથી.
ગત ચૂંટણીમાં ૨૩૪૭૮ની લીડ અપાવનાર વોર્ડ નં.૯માં આ વખતે ૬૦.૬૮% મતદાન
૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં ૧૮ વોર્ડમાંથી સૌથી વધુ લીડ વોર્ડ નં.૯એ ૨૩૪૭૮ મતની અપાવી હતી. આ વખતની ચૂંટણીમાં અહીં ૬૦.૬૮% મતદાન થયું છે મતલબ કે ૭૫૩૯૬માંથી ૪૫૭૪૯એ મતદાન કર્યું છે ત્યારે કેટલી લીડ મળે છે તે જોવું રસપ્રદ બની રહેશે. જ્યારે સૌથી હાઈએસ્ટ મતદાન કરનાર વોર્ડ નં.૧૧માંથી ગત ચૂંટણીમાં ૨૩૧૬૫ની લીડ ભાજપને મળી હતી.
