ખાવામાં ભૂક્કા કાઢતાં રાજકોટીયન્સ: રોજના ૮૨૫૦ ઑનલાઈન ઑર્ડર’
મનગમતી-મનભાવતી ભોજન-નાસ્તાની ડિશ ઘેરબેઠા મંગાવવાના ટે્રન્ડમાં વધારોશનિ-રવિમાં તો આંકડો ૧૦,૦૦૦ને થઈ જાય છે પાર ! પેટા: ઑનલાઈન ઓર્ડરમાં પંજાબી ડીશ પ્રથમ તો ગુજરાતી બીજા ક્રમે !
રોજનું વીસેક લાખનું ભોજન-નાસ્તો ઘરબેઠા જમી જવાય છે
ઑર્ડર આપવામાં કાલાવડ રોડ સૌથી મોખરે, ભક્તિનગર વિસ્તાર સૌથી છેલ્લે
ખાણીપીણીની વાત આવે એટલે રાજકોટીયન્સ ક્યારેય પાછા ન પડે, એમાં પણ મનભાવન ભોજન કે નાસ્તાની ડીશ મળી જાય એટલે તો પછી પૂછવાનું જ શું...! શહેરીજનો ખાનપાનના કેટલા શોખીન છે તેનો જીવંત દાખલો હોટેલ-રેસ્ટોરન્ટ કે નાની-મોટી નાસ્તા-ભોજનની રેંકડી પર એકઠી થતી ભીડ પરથી કાઢી શકાય છે.
ઘણાફૂડ બ્લોગર’નું ઘર જ કદાચ ખાનપાનની એક એકથી હટ કે વાનગીનું પ્રમોશન કરીને ચાલતું હશે તેમ કહીએ તો પણ અતિશ્યોક્તિ નહીં કહેવાય ! ભલે રેસ્ટોરન્ટ-હોટેલ બહાર સ્વાદશોખીનોની ભીડ એકઠી થતી હોય પરંતુ ઘણા લોકો એવા પણ છે જેઓ ઘરમાં રહીને `બહાર’નું ભોજન મંગાવવા માટે ટેવાઈ ગયા હોય રાજકોટમાં ફૂડના ઑન લાઈન ઑર્ડરના ટે્રન્ડમાં પણ એટલો જ વધારો થઈ રહ્યો છે. એકંદરે ખાનપાનના ભૂક્કા કાઢતાં હોય તેવી રીતે રાજકોટવાસીઓ દરરોજ ૮૨૫૦ ઑનલાઈન ઑર્ડર આપી રહ્યા હોવાનું સત્તાવાર આંકડો બહાર આવ્યો છે.
રાજકોટમાં અત્યારે સ્વિગી અને ઝોમેટો આ બે ફૂડ ઑનલાઈન ડિલિવરી સર્વિસ પ્રોવાઈડર છે. સ્વિગિની વાત કરવામાં આવે તો અત્યારે તેના ૨૦૦થી વધુ રાયડર ૨૪ કલાક ફૂડની ડિલિવરી કરતાં હોય છે તો ઝોમેટોના રાયડરની સંખ્યા પણ આટલી જ છે. જો કે શનિ-રવિ મતલબ કે રજાના દિવસમાં રાયડર અને ઑર્ડર બન્નેની સંખ્યામાં વધારો થઈ જાય છે અને ઑર્ડરનો આંકડો ૧૦,૦૦૦ને પાર થઈ રહ્યો છે. આ સ્થિતિમાં કોરોનાકાળ બાદ ફેરફાર થયો છે અને ઓનલાઈન ફૂડ મંગાવવાનો સીલસીલો દિવસેને દિવસે વધી રહ્યો છે.
હવે ઑનલાઈન ઑર્ડરમાં સૌથી વધુ શું મંગાવાય છે તે જાણવું પણ જરૂરી બની જાય છે. રાજકોટીયન્સની ગણતરી ભલે ગુજરાતીમાં થતી હોય પરંતુ તેમનું ફેવરિટ ફૂડ પંજાબી છે ! મહત્તમ ઑર્ડર પંજાબી ફૂડના જ થતાં હોવાનું જાણવા મળી રહ્યું છે. આ પછી બીજા ક્રમે ગુજરાતી વાનગીનો નંબર આવે છે. એકંદરે દરરોજ વીસેક લાખનું ભોજન-નાસ્તો ઘરબેઠા ઓહિયા કરી જવાતાં હોવાનો અંદાજ વ્યક્ત કરાયો છે.
રાજકોટમાં સૌથી વધુ ઑર્ડર કાલાવડ રોડ વિસ્તારમાંથી થઈ રહ્યા છે તો સૌથી ઓછા ઑર્ડર આપવામાં ભક્તિનગર વિસ્તારનું નામ આવે છે. રોજના ૮૨૫૦ (સોમથી શુક્ર) ઑર્ડરમાંથી અડધોઅડધ ઑર્ડર કાલાવડ રોડ વિસ્તારના છે.
ક્યા રેસ્ટોરન્ટ-હોટેલમાંથી સૌથી વધુ ઑર્ડર
- ધ ગ્રાન્ડ ઠાકર
- સરગમ ફૂડ
- લાપીનોઝ પીત્ઝા
- માર્ટીનોઝ પીત્ઝા
- રાજધાની (ઈન્દીરા સર્કલ)
- સંતુષ્ટી આઈસ્ક્રીમ
કયું ફૂડ સૌથી મોખરે પ્રથમ ક્રમે: પંજાબી
બીજા ક્રમે: ગુજરાતી
ત્રીજા ક્રમે: પીત્ઝા
ચોથા ક્રમે: ચાઈનીઝ
પાંચમા ક્રમે: ફાસ્ટ ફૂડ
ટોપ-૫ એરિયા પ્રથમ ક્રમે: કાલાવડ રોડ
બીજા ક્રમે: સાધુ વાસવાણી રોડ
ત્રીજા ક્રમે: સ્પીડવેલ પાર્ટી પ્લોટ વિસ્તાર
ચોથા ક્રમે: અંબિકા ટાઉનશિપ વિસ્તાર
પાંચમા ક્રમે: મવડી વિસ્તાર
સૌથી વધુ ઑર્ડર સાંજે ૭થી ૧૧ વચ્ચે
સ્વિગિ-ઝોમેટો સાથે સંકળાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે ઑનલાઈન ઑર્ડર સૌથી વધુ સાંજે ૭થી ૧૧ વચ્ચે આવતા હોય છે. ખાસ કરીને ૭ પછી ડીનરનો સમય હોય એટલા માટે લોકો ત્યારથી ઑર્ડર આપવાનું શરૂ કરે છે જે ૧૧ વાગ્યા સુધી અવિરત ચાલે છે. સૌથી ઓછા ઑર્ડર સવારના સમયે આવતા હોય છે જેમાં પૌવા બટાટા, સેન્ડવિચ સહિતનો નાસ્તો સમાવિષ્ટ છે.
ફાયદો તો જુઓ: હોટેલ પર જાવ તો ૧૫૦ રૂપિયા, ઘરબેઠા મંગાવો તો ૧૨૦ !
ઑનલાઈન ફૂડ ઑર્ડર વધવા પાછળ આમ તો ઘણા બધા કારણો જવાબદાર છે તે પૈકીનું એક કારણ ડિસ્કાઉન્ટને પણ ગણી શકાય…! ઉદાહરણ તરીકે હોટેલ કે રેસ્ટોરન્ટ ઉપર જનાર વ્યક્તિ ત્યાં બેસીને જમે તો ૧૫૦ રૂપિયા બિલ થતું હોય છે જ્યારે આ જ ફૂડ જો ઘરબેઠા મંગાવે તો તેને ૧૨૦ રૂપિયામાં પડે છે. આ ઉપરાંત હોટેલ-રેસ્ટોરન્ટ પર જાય તો `વારા’ની રાહ જોવી પડે છે તે પણ ઘણા લોકોને પરવડતું હોતું નથી એટલા માટે જ ઘરે બેસીને જમવાનું પસંદ કરે છે !
ઑનલાઈન ઑર્ડર આપવામાં પુરુષ-મહિલાનો રેશિયો ૫૦-૫૦
રાજકોટમાં ફૂડ ઓનલાઈન ઑર્ડર આપવામાં પુરુષ-મહિલાનો રેશિયો ૫૦-૫૦ છે મતલબ કે જેટલો ઓર્ડર મહિલા આપે છે એટલો જ ઓર્ડર પુરુષ આપી રહ્યા છે. ૮૨૫૦માંથી અડધો ઓર્ડર પુરુષ દ્વારા તો અડધો ઓર્ડર મહિલા દ્વારા આપવામાં આવી રહ્યો છે.
શહેરની વચ્ચોવચ્ચથી લઈને છેક છેવાડા સુધી ડિલિવરી
રાજકોટની વસતી અને વિસ્તાર દરરોજ વધી રહ્યા છે એટલા માટે ફૂડ ઑર્ડરમાં પણ વધારો થઈ રહ્યો છે. સામાન્ય રીતે કોઈ સ્વાદશોખીન શહેરની વચ્ચોવચ્ચ આવેલી હોટેલ-રેસ્ટોરન્ટમાંથી તેના મનપસંદ ફૂડનો ઓર્ડર આપે એટલે ડિલિવરીમેન તેને છેવાડાના વિસ્તાર સુધી પાર્સલ આપવા જાય છે મતલબ કે ઓર્ડર આપનાર વ્યક્તિ છેવાડે રહેતી હોય તો પણ ત્યાં તેને પાર્સલ મળી જાય છે.
૬૦થી લઈ ૧૦,૦૦૦ સુધીનો ઑર્ડર !!
રાજકોટવાસીઓ ખાણીપીણીની કિંમત જોઈને ક્યારેય ખાતાં હોતાં નથી. એકંદરે ઑનલાઈન ઑર્ડરની વાત કરવામાં આવે તો અત્યારે ૬૦ રૂપિયાથી લઈ ૧૦,૦૦૦ સુધીનો ઑર્ડર આપવામાં આવી રહ્યો છે. નોંધપાત્ર કિંમતના ઑર્ડર લગભગ ડિનરના જ થઈ રહ્યા છે.
