મુસ્લિમોની ચાર ટકા અનામતમાં કોઈ ફેરફાર નહીં: જગન મોહન રેડી
આંધ્રમાં મુસ્લિમ અનામતનું રાજકારણ જોરમાં
ભાજપ અને ટીડીપીના બેવડા માપદંડની ઝાટકણી કાઢી
13મી તારીખે આંધ્રપ્રદેશમાં ધારાસભા અને લોકસભાની ચૂંટણી માટે મતદાન થવાનું છે તે પહેલા મુસ્લિમ અનામતનો મુદ્દો જોરથી ગાજી રહ્યો છે. આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગન મોહન રેડીએ આંધ્રમાં ઓબીસી કવોટામાંથી મુસ્લિમોને આપવામાં આવેલી ચાર ટકા અનામત યથાવત રાખવામાં આવશે તેવું વચન આપ્યું હતું. આ અગાઉ ટીડીપીના પ્રમુખ ચંદ્રબાબુ નાયડુએ પણ આ અનામત પ્રથામાં કોઈપણ જાતનો ફેરફાર નહીં કરવાની જાહેરાત કરી હતી.
કુન્નુરમાં પ્રચાર સભાને સંબોધતા જગનમોહન રેડી એ કહ્યું કે એક તરફ ભાજપ મુસ્લિમોની અનામત દૂર કરવાનું કહે છે અને બીજી તરફ એ અનામત યથાવત રાખવાની જાહેરાત કરનાર ટીડીપીએ ભાજપ સાથે જ ગઠબંધન કર્યું છે. તેમણે કહ્યું કે મુસ્લિમોના મત મેળવવા માટે ચંદ્રબાબુ નાયડુ આવી જાહેરાતો કરે છે. જો તેમના હૈયે ખરેખર મુસ્લિમોને હિત હોય તો તેમણે ભાજપ સાથે ગઠબંધન ન કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ પોતે જીવતા હોય ત્યાં સુધી ઓબીસીના ક્વોટામાંથી મુસ્લિમોને અનામત નહીં આપવા દેવાની જાહેરાત કરી છે પરંતુ ભાજપે આંધ્રમાં ટીડીપી સાથે ગઠબંધન કરતા ભાજપના બેવડા માપદંડ અંગે કોંગ્રેસ સહિતના વિપક્ષો સવાલો ઉઠાવતા રહ્યા છે.