એર ઈન્ડિયા એક્સપ્રેસ એરલાઈન્સે સામૂહિક રજા પર ગયેલા કર્મચારીઓ સામે કડક વલણ અપનાવ્યું છે અને 25 કર્મચારીઓને હાંકી કાઢ્યા છે. આજે પણ એર ઈન્ડિયા એક્સપ્રેસના ક્રૂ મેમ્બર્સ દ્વારા સામૂહિક રજા લેવાના કારણે એરલાઈનની 74 ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. ગઈકાલે પણ 90 ફ્લાઈટો રદ કરવામાં આવી હતી. ફ્લાઈટ કેન્સલ થવાને કારણે હજારો મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં, ટિકિટ રિફંડ સિવાય, એરલાઇન્સે મુસાફરોને બીજી ફ્લાઇટ પસંદ કરવાનો વિકલ્પ પણ આપ્યો હતો.
તે જ સમયે, હવે એરલાઇન મેનેજમેન્ટ પણ કર્મચારીઓ પર કડક બન્યું છે. ન્યૂઝ એજન્સી અનુસાર, એર ઈન્ડિયા એક્સપ્રેસના લગભગ 25 કર્મચારીઓ (કેબિન ક્રૂ મેમ્બર)ને કામ પર ન આવવાના કારણે બરતરફ કરવામાં આવ્યા છે. આ સિવાય એરલાઈને હડતાળ પર ઉતરેલા કેબિન ક્રૂને ગુરુવારે સાંજે 4 વાગ્યા સુધીમાં કામ પર પાછા ફરવાનું અલ્ટીમેટમ પણ આપ્યું છે.
નવી દિલ્હીથી અત્યાર સુધીમાં એર ઈન્ડિયા એક્સપ્રેસની એક ફ્લાઈટ કેન્સલ થયાના સમાચાર છે, જ્યારે દેશભરમાં આજે રદ થયેલી ફ્લાઈટ્સની કુલ સંખ્યા 74 છે. એર ઈન્ડિયા એક્સપ્રેસના સીઈઓએ આ વિકટ પરિસ્થિતિને સમાપ્ત કરવા માટે ટાઉન હોલ બેઠક બોલાવી છે. એરલાઇન્સ પણ હવે આ સંકટનો સામનો કરવા સક્રિય બની છે. એર ઈન્ડિયા એક્સપ્રેસે એક નિવેદનમાં કહ્યું કે અમે મુસાફરો માટે ગ્રુપ એરલાઈન્સ સાથે વૈકલ્પિક ફ્લાઈટ્સનો વિકલ્પ આપી રહ્યા છીએ. મુસાફરો શક્ય તેટલી વહેલી તકે તેમના ગંતવ્ય પર પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે અમે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ. આ સિવાય એરલાઇન મુસાફરોને ટિકિટ રિફંડનો વિકલ્પ પણ આપી રહી છે.
પેસેન્જરને કોઈપણ ફી કપાત કર્યા વગર રિફંડ મળશે
મોટી સંખ્યામાં એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ્સ કેન્સલ થવાને કારણે અનેક એરપોર્ટ પર મુસાફરોની ભીડ જામી ગઈ છે. એરલાઈને પેસેન્જરોને એરલાઈનની વેબસાઈટ પર ‘ફ્લાઈટ સ્ટેટસ’ ચેક કર્યા પછી જ ઘર છોડવાની અપીલ કરી છે. જે મુસાફરોની ફ્લાઈટ્સ કેન્સલ થઈ છે તેઓ રિફંડ લઈ શકશે. એરલાઈન્સે કહ્યું કે પેસેન્જરને કોઈપણ ફી કપાત કર્યા વગર રિફંડ મળશે. મુસાફરો મોબાઇલ નંબર +91 6360012345 પર WhatsApp દ્વારા રિફંડની વિનંતીઓ સબમિટ કરી શકે છે. આ સિવાય તમે airindiaexpress.com પર રિફંડ રિક્વેસ્ટ પણ આપી શકો છો.
