ભાજપનું એક જ કામ; જુઠ ફેલાવો, સમાજ પર દમન કરો: શક્તિસિંહ
રાજકોટના ત્રિકોણબાગ ખાતે યોજાયેલી સભામાં કોંગી નેતાઓના પ્રહારો
મોદીને ક્ષત્રિયોની અસ્મિતા ન દેખાઈ, રાહુલે ચોર'ને મોદી કહ્યા એ પકડી લીધું: શક્તિસિંહ
રાહુલે તો નીરવ મોદીને ચોર કહ્યા'તા, ભાજપના ઉમેદવારે તો રજવાડા વિશે એલફેલ બોલ્યું છે: ગુજરાત મુલાકાતે વડાપ્રધાને ક્ષત્રિયોના ઘા ઉપર મલમ ચોપડવાની તસ્દી સુદ્ધા ન લીધી
કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને સમજ્યા વગર બેફામ આક્ષેપબાજી વડાપ્રધાનને શોભતી નથી: મુકુલ વાસનિક પેટા: રાજકોટ કમલમ્માં ખુરશીઓને ગાભા મારતાં કાર્યકરો ન દેખાયા'ને છેક અમરેલીથીઉછીના’ ઉમેદવાર લાવીને લડાવાઈ રહ્યા છે-ધાનાણી
લોકસભા ચૂંટણીમાં રાજકોટ સહિત ગુજરાતની ૨૬ બેઠકો પર મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ-કોંગ્રેસ દ્વારા એક બાદ એક સભાઆ યોજીને મતદારોને પોતાની તરફ આકર્ષિત કરાઈ રહ્યા છે. કોંગ્રેસ દ્વારા ત્રિકોણ બાગ ખાતે સંવિધાન બચાવો સંમેલન' બોલાવાયું હતું જેમાં પ્રદેશ તેમજ રાષ્ટ્રીય નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સભાને સંબોધન કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે વડાપ્રધાન મોદીની ટીકા કરતાં કહ્યું હતું કે મોદીને ક્ષત્રિયોની અસ્મિતા જરા પણ દેખાઈ નથી પરંતુ રાહુલે ઘણા સમય પહેલાંચોર’ને મોદી કહ્યા હતા અને જે મામલામાં સુપ્રીમે પણ તેમને રાહત આપી દીધી છે તે દેખાઈ રહ્યું હોય તેમ એ વાતને પકડીને જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે.
તેમણે કહ્યું કે રાહુલ ગાંધીએ તો નીરવ મોદીને ચોર કહ્યા હતા પરંતુ ભાજપે તમામ મોદીને તેમાં સાંકળી લઈને ભ્રમ ફેલાવવાનું કામ કર્યું છે. આ બધાની ઉલટું ભાજપના રાજકોટના ઉમેદવારે તો રજવાડા વિશે એલફેલ બોલ્યું છે છતાં તેમની સામે કોઈ કાર્યવાહી કરાઈ નથી. સૌને હતું કે મોદી બે દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન ક્ષત્રિયોને ક્યારેય ન બૂરી શકાય તેવા લાગેલા ઘા ઉપર મલમ ચોપડવાનું કામ કરશે પરંતુ તેમણે તો એવું કરવાની જગ્યાએ જુઠનો જ પ્રચાર કર્યો છે. મોદી હવે ક્યારેય શક્ય ન બને તેવી ગેરંટીઓ આપી રહ્યા છે તે પૈકીની એક ગેરંટીની વાત કરીએ તો તેમણે સુરેન્દ્રનગરની સભામાં એમ કહ્યું હતું કે લોકો સુ.નગરથી અમદાવાદ સુધી વાહનમાં મફત જઈ શકે તે માટે ઈલેક્ટ્રિક વાહનોનું બિલ શૂન્ય કરી દેવું છે. વાસ્તવિક્તા એ છે કે સોલાર ઉર્જા પ્લાન્ટ તેમજ તેની બેટરી પાછળ ખર્ચ થતો જ હોય છે ત્યારે તેનું શું તેની કોઈ જ ચોખવટ વડાપ્રધાને કરી નથી.
મોદી કહી રહ્યા છે કે કોંગ્રેસ સત્તા પર આવશે તો તમારી પાસે બે ભેંસ હશે તો તેમાંથી એક ભેંસ લઈ જશે ! આ કઈ રીતે શક્ય બને ? શું કોંગ્રેસ આ બધી ભેંસને લઈને કમલમમાં બાંધી દેશે ?
જ્યારે કોંગ્રેસના જનરલ સેક્રેટરી અને ગુજરાતના પ્રભારી મુકુલ વાસનિકે કહ્યું હતું કે વડાપ્રધાન દરજ્જાની વ્યક્તિ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાને મુસ્લિમ લીગનો ઢંઢેરો હોવાની વાતો કરી રહી છે ત્યારે હું તેમને પડકાર ફેંકું છું કે તેઓ એક વખત કોંગ્રેસ નેતા સાથે બેસે અને તેમની સાથે ચૂંટણી ઢંઢેરા મુદ્દે વાતચીત કરે અને જો તેમાં એક પણ વાંધાજનક વસ્તુ નીકળે તો અમે તેઓ કહે તેમ કરવા તૈયાર છીએ પરંતુ મોદી આવું કરી શકશે નહીં કેમ કે તેમને જુઠાણું ફેલાવવાની ટેવ છે.
આ ઉપરાંત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર, ઈન્દ્રનીલ રાજગુરુ સહિતના નેતાઓએ સંબોધન કરીને મોદી, ભાજપ તેમજ રૂપાલાની આકરાં શબ્દોમાં ઝાટકણી કાઢી હતી.
