આ તારીખે વડાપ્રધાન ઉમેદવારી નોંધાવશે, વારાણસીમાં કરશે રોડ શો !!
હાલ સમગ્ર દેશમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે. તમામ પાર્ટીના ઉમેદવારો મતદારોને આકર્ષવા માટે એડી ચોંટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે વાત કરીએ વારાણસી લોકસભા બેઠકની તો આ વખતે પણ ભાજપે વડાપ્રધાન મોદીને વારાણસીથી ટિકિટ આપી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીમાં ૧૪મી મેના રોજ ઉમેદવારી નોંધાવશે અને ૧૩મી મેના રોજ રોડ શો પણ કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તર પ્રદેશની વારાણસી લોકસભા બેઠક પરથી સાંસદ છે. ભારતીય જનતા પાર્ટીએ આ વખતે પણ વારાણસીથી પીએમ મોદીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. છેલ્લા તબક્કા દરમિયાન વારાણસીમાં મતદાન થવાનું છે, એટલે કે 1 જૂને વડાપ્રધાન મોદીના મતવિસ્તારમાં મતદાન થશે. આવી સ્થિતિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી નામાંકન ભરવા માટે 13 મેના રોજ વારાણસી પહોંચશે. જોકે, તે બીજા દિવસે એટલે કે 14 મેના રોજ ઉમેદવારી નોંધાવશે. આ પહેલા એટલે કે 13 મેના રોજ પીએમ મોદી વારાણસીમાં એક વિશાળ રોડ શો કરશે.
પીએમ નરેન્દ્ર મોદીએ 2014માં પહેલીવાર વારાણસીથી લોકસભાની ચૂંટણી લડી હતી. અગાઉ 2009માં યોજાયેલી ચૂંટણીમાં અહીંથી ડૉ.મુરલી મનોહર જોશી સાંસદ હતા. વારાણસી લોકસભા મતવિસ્તારમાં પાંચ વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે – રોહાનિયા, વારાણસી ઉત્તર, વારાણસી દક્ષિણ, વારાણસી કેન્ટ, સેવાપુરી
2019ની લોકસભા ચૂંટણીમાં પીએમ મોદીએ વારાણસી બેઠક પરથી ભવ્ય જીત મેળવી હતી. તેમને 674664 મત મળ્યા હતા. 2011ની વસ્તી ગણતરીના આંકડા અનુસાર, વારાણસીની વસ્તી લગભગ 37 લાખ હતી. વારાણસીની 75.60 ટકા વસ્તી સાક્ષર છે. આમાં પુરુષોનો સાક્ષરતા દર 83.78 ટકા અને સ્ત્રીઓનો સાક્ષરતા દર 66.69 ટકા છે.