રાજકોટ બેઠકમાં સરકારી કર્મચારીઓનું 55.42 ટકા મતદાન
સરકારી કર્મચારીઓનું બેલેટ પેપરથી મતદાન પૂર્ણ
રાજકોટ : આગામી તા.7ના રોજ યોજાનાર લોકસભા ચૂંટણી અન્વયે ચૂંટણી ફરજ ઉપર રહેલા સરકારી કર્મચારીઓ અને આવશ્યક સેવાઓ સાથે જોડાયેલ સરકારી કર્મચારીઓ માટે ગત તા.26થી શરૂ થયેલ પોસ્ટલ બેલેટથી મતદાન ગુરુવારે પૂર્ણ થયું છે, રાજકોટ જિલ્લાની દસ વિધાનસભા બેઠકમાં કુલ 11264 સરકારી કર્મચારીઓએ મતદાન પ્રક્રિયા પૂર્ણ કરતા 55.42 ટકા મતદાન થયું છે.
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતમાં આગામી તા.7મીના રોજ મતદાન થનાર હોય ચૂંટણી ફરજ ઉપરના કર્મચારીઓ માટે રાજકોટ લોકસભા બેઠકમાં ચૂંટણી તાલીમ સાથે 26મી એપ્રિલથી શરૂ થયેલ પોસ્ટલ બેલેટથી મતદાન પ્રક્રિયામાં 66-ટંકારા બેઠકમાં 1399, 67-વાંકાનેરમાં 2195, 68 રાજકોટ પૂર્વમાં 397, 69-રાજકોટ પશ્ચિમમાં 1859, 70-રાજકોટ દક્ષિણમાં 728, 71-રાજકોટ ગ્રામ્યમાં 1017, 72-જસદણમાં 1821, 73-ગોંડલમાં 518, 74-જેતપુરમાં 754 અને 75-ધોરાજી બેઠકમાં 576 સરકારી કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું. કુલ મળી 11264 સરકારી કર્મચારીઓએ મતદાન પ્રક્રિયા પૂર્ણ કરતા 55.42 ટકા મતદાન થયું છે.
બંદોબસ્તમાં ગયેલા પોલીસ-એસઆરપી માટે હવે તારીખ નક્કી થશે
રાજકોટ લોકસભા બેઠકમાં ચૂંટણી ફરજ ઉપર અને આવશ્યક સેવામાં હોય તેવા સરકારી કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટથી મતદાન પૂર્ણ થયું છે, જો કે, વડાપ્રધાન ગુજરાતમાં ચૂંટણી પ્રચારે હોવાથી એસઆરપી જવાનો અને પોલીસ જવાનો બહારના જિલ્લામાં બંદોબસ્ત માટે ગયા હોવાથી તેઓ પરત આવ્યા બાદ સુરક્ષા કર્મીઓ માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.