રાજકોટમાં NSUI VS POLICE
કૂવાડવા રોડ પર ગાડી ચેકિંગ કરતી વખતે NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકીની ગાડી બબ્બે વખત ચેક કરાતાં મામલો બીચક્યો
નરેન્દ્ર સોલંકી સાથે રહેલા રાહુલ સોલંકીએ કોન્સ્ટેબલ કનુ ભમ્મર, અભિજીતસિંહ ઝાલા સામે તો કનુ ભમ્મરે નરેન્દ્ર સોલંકી સહિત ત્રણ સામે વળતી ફરિયાદ નોંધાવી
પોલીસે *** તમે ક્યારથી આવી ગાડીમાં ફરતા થઈ ગયા'ને અમારી સામે બોલતાં થઈ ગયા' તેવા શબ્દો બોલ્યાની ફરિયાદ તો સામે પક્ષે ત્રણેયે પોલીસને માર માર્યાનો વળતો ગુનો નોંધાવાયો
રાજકોટમાં લોક્સભા ચૂંટણી અંતર્ગત પોલીસ દ્વારા સઘન વાહન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. દરરોજ શહેરના અનેક વિસ્તારો ઉપરાંત અંદર પ્રવેશવાના રસ્તે વાહનો ચેક કરાઈ રહ્યા છે. આ બધાની વચ્ચે નેશનલ સ્ટુડન્ટસ યુનિયન ઑફ ઈન્ડિયા (એનએસયુઆઈ) પ્રમુખ નરેન્દ્ર સોલંકી અને તેમના ત્રણ મીત્રો અમદાવાદ-રાજકોટ હાઈ-વે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ફરજ પર હાજર પોલીસ સ્ટાફ દ્વારા તેમની ગાડી એક નહીં બલ્કે બબ્બે વખત ચેક કરવામાં આવતાં મામલો બીચક્યો હતો અને વાત ઝપાઝપી સુધી પહોંચી જતાં બન્ને પક્ષે સામસામી ફરિયાદ નોંધાઈ છે.
રાહુલકુમાર મનુભાઈ સોલંકી (ઉ.વ.૨૫)એ બી-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તે અને તેના મીત્ર નરેન્દ્ર માનસીંગભાઈ સોલંકી તેમજ રાહુલ ગમારા નરેન્દ્ર સોલંકીની ક્રેટા ગાડી નં.જીજે-૦૮-સીએસ-૬૨૦૭માં અમદાવાદથી રાજકોટ આવી રહ્યા હતા ત્યારે કૂવાડવા પોલીસ મથક પાસે ચેકિંગ ચાલી રહ્યું હતું. આ વેળાએ ક્રેટા ગાડી સાઈડમાં ઉભી રખાવી તેને ચેક કરવામાં આવી હતી.
એક વખત ગાડી ચેક કરવા છતાં બીજી વખત ચેક કરવામાં આવતાં રાહુલ સોલંકીએ કહ્યું હતું કે એક વખત ગાડી ચેક થયા છતાં બીજી વખત કેમ ચેક કરો છો ? બસ, આટલું કહેતાં જ પોલીસ કોન્સ્ટેબલ કનુ ભમ્મર અને અભીજીતસિંહ ઝાલા ઉશ્કેરાઈ ગયા હતા અને કહ્યું હતું કે
*** તમે ક્યારથી આવી ગાડીમાં ફરતા થઈ ગયા અને અમારી સામે બોલતા થઈ ગયા’ આ પછી અભીજીતસિંહે મને પકડી રાખ્યો અને કનુ ભમ્મરે ત્રણ ફડાકા માર્યા હતા. એકંદરે બન્નેએ જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરી માર માર્યો હોવાની રાહુલ સોલંકીએ ફરિયાદ નોંધાવી છે.
જ્યારે સામા પક્ષે પ્ર.નગર પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ કનુભાઈ ગોદડભાઈ ભમ્મરે ફરિયાદ નોંધાવી છે કે તે અને તેમની સાથે અભીજીતસિંહ નરેન્દ્રસિંહ ઝાલા સહિતના વાહન ચેકિંગમાં હતા ત્યારે જીજે-૦૮-સીએસ-૬૨૦૭ નંબરની ગાડી ચેક કરી હતી. જો કે તેમાં કશું વાંધાજનક મળી આવ્યું ન્હોતું પરંતુ ગાડીના કાળા કાચ હોય ત્યાં હાજર ટ્રાફિક પોલીસે તે બદલ દંડ લેતાં નરેન્દ્ર સોલંકી, રાહુલ સોલંકી અને રાહુલ ગમારાએ ધસી આવી ગાળાગાળી શરૂ કરી હતી. નરેન્દ્ર સોલંકીએ હું એનએસયુઆઈનો પ્રમુખ છું અને મારી ગાડી કેમ ચેક કરાય તેમ કહી મારો કાંઠલો પકડી લીધો હતો અને અભીજીતસિંહને ઢીકાપાટુનો માર મારતાં પોલીસ કંટ્રોલરૂમને જાણ કરી હતી.
પૂરાવા એકઠા કરાઈ રહ્યા છે ત્યારબાદ ધરપકડ થશે: એસીપી
આ ઘટનાની તપાસ કરી રહેલા એસસી-એસટી વિભાગના એસીપી આર.એસ.બારૈયાનો સંપર્ક સાધવામાં આવતાં તેમણે જણાવ્યું હતું કે અત્યારે આ અંગે પૂરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. હજુ સુધી આ બન્ને ફરિયાદમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી.