ચૂંટણી વખતે હથિયાર-ડ્રગ્સને પકડવા સુરક્ષા એજન્સીઓ એગ્રેસીવ મોડ'માં
દિલધડક ઓપરેશન પાર પાડી એટીએસ-એનસીબી-કોસ્ટગાર્ડે ૧૪ પાકિસ્તાનીને દબોચ્યા
હથિયારોનો જથ્થો, રાજસ્થાન, ગાંધીનગર, અમરેલીમાં ડ્રગ્સની ફેક્ટરી બાદ હવે મધદરિયેથી ડ્રગ્સ ભરેલી બોટ પકડી પાડી સળંગ ત્રીજા દિવસે મોટી કાર્યવાહી
લોકસભા ચૂંટણી અંતર્ગત સુરક્ષા એજન્સીઓ
એક્ટિવ’ નહીં બલ્કે એગ્રેસીવ મોડ'માં કામ કરી રહી છે. ખાસ કરીને ચૂંટણી દરમિયાન હથિયારો કે નશાનો જથ્થો ગુજરાતમાં ઘૂસી ન જાય તે માટે એક પછી એક ઓપરેશન પાર પાડવામાં આવી રહ્યા છે. ત્રણ દિવસ પહેલાં એટીએસે ૨૫ પીસ્તલ, ૯૦ કાર્ટિસ સાથે રાજકોટ, ચોટીલા, સુરેન્દ્રનગર અને મધ્યપ્રદેશના છ સોદાગરોને પકડ્યા બાદ શનિવારે અમરેલી, ગાંધીનગર અને રાજસ્થાનમાંથી ડ્રગ્સની ફેક્ટરીઓ પકડી પાડી હતી.
જ્યારે રવિવારે પોરબંદરમાં મધદરિયે દિલધડક ઓપરેશન પાર પાડી ૬૦૨ કરોડના ડ્રગ્સ સાથે ૧૪ પાકિસ્તાનીઓને પકડી પાડ્યા છે. એટીએસ, એનસીબી અને કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન પાર પાડી ૮૬ કિલો ડ્રગ્સ પકડી પાડ્યું છે જેની બજારકિંમત ૬૦૨ કરોડ રૂપિયા જેટલી થવા જાય છે. આ ઓપરેશન બે દિવસથી ચાલી રહ્યું હતું જેમાં અંતે સફળતા સાંપડી છે. સુરક્ષા એજન્સીઓ બે દિવસથી આંતરરાષ્ટ્રીય સમુદ્ર સીમા તેમજ ભારતીય જળ સીમામાં સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. ડ્રગ્સનો મોટો જથ્થો પોરબંદરના દરિયામાં આવી રહ્યાની બાતમીના આધારે ત્રણેય એજન્સીઓ દ્વારા તેને પકડવા માટે વોચ ગોઠવી દેવામાં આવી હતી.
પાકિસ્તાની બોટમાં ૧૪ પાકિસ્તાન લોકો દ્વારા ૬૦૨ કરોડનું ૮૬ કિલો ડ્રગ્સ લાવવામાં આવી રહ્યું હતું. ઓપરેશનને સફળ બનાવવા માટે ભારતના લડાકું જહાજ તેમજ વીમાનને મિશન પર તૈનાત કરવામાં આવ્યા હતા. એનસીબી અને એટીએસ અધિકારીઓને લઈને જઈ રહેલા કોસ્ટગાર્ડના જહાજ
રાજરતને’ શંકાસ્પદ બોટની ઓળખ કરી હતી. ડ્રગ્સથી ભરાયેલી બોટના ચાલકોએ ભાગવાની કોશિશ કરી પરંતુ તેમાં સફળતા મળી ન્હોતી.
અધિકારીઓ પર બોટ ચડાવી દેવાનો પ્રયાસ થતાં ફાયરિંગથી અપાયો જવાબ
જાણવા મળ્યા પ્રમાણે ડ્રગ્સ પકડવાના ઓપરેશન દરમિયાન ધરપકડથી બચવા માટે પાકિસ્તાની નાગરિકોએ એટીએસના અધિકારીઓ પર પોતાની બોટ ચડાવી દેવાનો પ્રયાસ કર્યો હતો જેની જવાબી કાર્યવાહીમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેનો જવાબ પાકિસ્તાનીઓ પાસે ન્હોતો અને તમામ પકડાઈ ગયા હતા.
ત્રણ વર્ષમાં દરિયાની અંદર ૧૧મું સફળ ઓપરેશન
કોઈ પણ ભોગે ગુજરાતમાં ડ્રગ્સ કે હથિયારનો જથ્થો ન પહોંચી જાય તે માટે સુરક્ષા એજન્સીઓ એકદમ સાબદી બનીને કામ કરી રહી છે જેના પરિણામ સ્વરૂપે ત્રણ વર્ષની અંદર દરિયામાં આ ૧૧મું સફળ ઓપરેશન પાર પાડી અબજો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ પકડી લેવામાં આવ્યું છે.