મણિપુરમાં ફરી હિંસાનો દોર શરૂ, પર્વતો પરથી અંધાધૂંધ ગોળીબાર કર્યો
મણિપુરની રાજધાની ઈમ્ફાલમાં રવિવારે સવારે બે સમુદાયો વચ્ચે ફરી એકવાર ભીષણ અથડામણ શરૂ થઇ હતી. પોલીસે જણાવ્યું કે જાતીય હિંસાથી પીડિત ઈમ્ફાલ પશ્ચિમમાં બે જૂથ ફરી સામે સામે આવી જતાં હિંસા ભડકી હતી. અહેવાલ અનુસાર એક પોલીસ અધિકારીએ કહ્યું કે આ ઘટના ત્યારે બની જ્યારે એક ડઝનથી વધુ હથિયારધારી લોકોએ કાંગપોકલી જિલ્લામાં નજીકના પર્વતીય વિસ્તારોમાંથી ઈમ્ફાલ ખીણના કૌત્રુક ગામ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો.
મોર્ટાર ગોળા ઝીંકવામાં આવ્યા
તેમણે કહ્યું કે અમુક ગોળીઓ ગ્રામીણોના ઘરોની દીવાલો પર વાગી હતી જેના લીધે નુકસાન થયું હતું. ઘટના બાદથી મહિલાઓ, બાળકો અને વૃદ્ધોને નજીકના સુરક્ષિત વિસ્તારો સુધી ખસેડવાની ફરજ પડી હતી. સ્થાનિક સ્તરે બનાવેલા મોર્ટાર ગોળા પણ ગામના ઘરો પર ઝીંકવામાં આવ્યા હતા. આ મોર્ટાર ગોળાને પમ્પી પણ કહેવામાં આવી છે. ઘટના બાદથી ગામના લોકોમાં દહેશતનો માહોલ જોવા મળી રહ્યો છે.