અમેરિકા : અશ્વેત નાગરિકનો શ્વાસ રૂંધી પોલીસે મારી નાખ્યો
અમેરિકાના ઓહિઓ રાજ્યમાં પોલીસે એક અશ્વેત નાગરિકની ધરપકડ કર્યા બાદ ઘૂંટણ વડે ગળું દબાવી મારી નાખ્યો હતો. આ ઘટનાએ 2020 માં બ્લેક લાઈવસ મેટર નામે થયેલ અભૂતપૂર્વ હિંસક આંદોલનની યાદ તાજી કરાવી દીધી હતી. એ બનાવવામાં પણ પોલીસે જ્યોર્જ ફ્લોઈડ નામના શ્વેત નાગરિકને આ રીતે જ પતાવી દીધો હતો.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ ફ્રેન્ક ટાયસન નામનો 53 વર્ષનો નાગરિક 18 મી એપ્રિલે થયેલ એક કાર અકસ્માત બાદ ભાગતો ફરતો હતો. દરમિયાન તે એક બારમાં હોવાની જાણ થતા ત્યાં પહોંચેલા બિયુ સોલોનેજ અને કામડેન બૂર્ચ નામના પોલીસ અધિકારીઓએ તેને ઝડપી લઇ જમીન ઉપર ઊંધો સુવડાવી દીધો હતો અને હાથકડી પહેરાવી દીધી હતી. એ સમયે એક પોલીસ ટાઇસનની ડોકી ઉપર ઘૂંટણ દબાવીને બેસી જતા ટાઇસનનો શ્વાસ રુંધાવા લાગ્યો હતો અને અંતે તેનું મૃત્યુ થયું હતું. આ ઘટનામાં સંડોવાયેલા બંને પોલીસ અધિકારીઓને રજા ઉપર ઉતારી દઈ વિશેષ તપાસ હાથ ધરવામાં આવી છે.
‘હું શ્વાસ નથી લઈ શકતો ‘
2020 માં જ્યોર્જ ફ્લોઈડની હત્યા સાથે આબેહૂબ સામ્ય ધરાવતી આ ઘટનામાં પણ ટાયસને મદદ માટે પોકારો પાડ્યા હતા. તેણે કહ્યું હતું,” હું શ્વાસ નથી લઈ શકતો. મહેરબાની કરીને મને છોડો..” જો કે પોલીસે તેની વાત કાને નહોતી ધરી. એક પોલીસે એવું કહ્યું હતું કે મને નાનપણથી જ ‘બાર ફાઇટ’નો શોખ છે. અંતે ટાયસન છેલ્લા તરફડિયા મારી અને સદા માટે શાંત થઈ ગયો હતો.