અહો આશ્ચર્યમ !! અહી 5 પેઢીના 70 લોકોએ એકસાથે પારંપરિક પોશાકમાં કર્યું મતદાન
લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજે એટલે કે 26 એપ્રિલ અને ગુરુવારના રોજ 13 રાજ્યોમાં 88 બેઠકો પર મતદાન છે. મતદાન કર્યા બાદ અનેક લોકો બીજા લોકોને મતદાન કરવાની અપીલ કરતાં હોય છે ત્યારે જોધપુરમાં એક પ્રેરણા લેવા જેવી બાબત સામે આવી છે જેમાં જોધપુરમાં પાંચ પેઢીના 70 લોકો એક સાથે મતદાન કરવા માટે શાહી પોશાક પહેરીને આવ્યા હતા. પુરુષોએ રાજસ્થાની પાઘડી પહેરી હતી જ્યારે મહિલાઓએ લાલ સાડી પહેરી હતી. આ પરિવારમાં જેઓ પ્રથમ વખત મતદાન કરી રહ્યા છે તે તેમજ બાળકો હતા, જેઓ ભવિષ્યમાં મતદાર બનશે.
આ જ પરિવારના એક સભ્યએ જણાવ્યું કે અમે ગઈકાલે નક્કી કર્યું હતું કે આપણે લોકશાહીનો તહેવાર ઉત્સાહથી ઉજવવો છે. અમે વિચાર્યું હતું કે પુરુષો રાજસ્થાનની સંસ્કૃતિનું પ્રતીક ધરાવતી પાઘડી પહેરશે અને સ્ત્રીઓ બાંધણીની સાડી પહેરશે. અમારા પરિવારના કેટલાક લોકો પહેલીવાર મતદાન કરી રહ્યા છે. અમે લોકોને એક સંદેશ આપવા માંગીએ છીએ કે તેઓએ ભારતનું નામ વિશ્વની સૌથી શક્તિશાળી લોકશાહી તરીકે ઓળખાવવું જોઈએ.
પરિવારે લોકશાહીના તહેવારમાં સમગ્ર પરિવારને સામેલ કરવાનું નક્કી કર્યું. તેમણે જણાવ્યું કે પરિવારની 5 પેઢીના 70 થી વધુ લોકોને એકસાથે મતદાન મથક પર લઈ જઈને તેમણે લોકોને દરેક મતનું મૂલ્ય સમજવાનો પ્રયાસ કર્યો, જેથી લોકો ઘરની બહાર આવીને મતદાન મથકે પહોંચીને મતદાન કરી શકે.
આપને જણાવી દઈએ કે કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવત રાજસ્થાનની જોધપુર સીટ પરથી બીજેપીની ચૂંટણી લડી રહ્યા છે. તેમની સામે કોંગ્રેસે રાજપૂત સમુદાયના કરણ સિંહને મેદાનમાં ઉતાર્યા છે, તમને જણાવી દઈએ કે 2014 અને 2019માં પણ આ સીટ પરથી ગજેન્દ્ર સિંહ શેખાવત જીત્યા હતા, તેથી આ વખતે પણ ભાજપે તેમને ઉમેદવાર જાહેર કર્યા છે.