૪૭ કાર, કિંમત ૩.૫૧ કરોડ: બેલડીએ ગીરો મુકી-વેચી ૧ કરોડની રોકડી કરી’ને મોજમજામાં ઉડાવી !
ક્રાઈમ બ્રાન્ચે સેલ્ફ ડ્રાઈવિંગ પર ભાડે કાર લઈ તેને ખાઈ જવાના કારસ્તાનનો પર્દાફાશ કરી બેને દબોચ્યા
કબજે કરાયેલી અનેક કાર ડીઝલ ચોરી સહિતના ગુનામાં વપરાઈ’તી: એક મહિનામાં જ એક પછી એક ગાડી મેળવી અને ગીરવે મુકતા ગયા-વેચતા ગયા
રાજકોટના અલગ-અલગ વિસ્તારોમાંથી સેલ્ફ ડ્રાઈવિંગના નામે ૩.૫૧ કરોડની ૪૭ કાર મેળવી લઈ તેને બારોબાર વેચી દેવા-ગીરવે મુકીને રોકડી કરી લેવાના મસમોટા કારસ્તાનનો પર્દાફાશ ક્રાઈમ બ્રાન્ચે કર્યો છે. આ સાથે જ કાંડમાં સંડોવાયેલા રાજકોટ અને જામનગરના શખ્સની ધરપકડ કરી ૪૭ ગાડી કબજે લેવામાં આવી છે. પોલીસની પૂછપરછમાં બેલડીએ જણાવ્યું કે ૪૭ કારની જેટલી કિંમત આવે એટલી કિંમતે વેચી દઈ અથવા તો ગીરવે મુકીને એકાદ કરોડની કમાણી કરી છે અને તે રકમ મોજમજામાં ઉડાવી દીધી છે !
ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમ.આર.ગોંડલિયા, પીએસઆઈ એમ.જે.હુણ સહિતની ટીમે રાજકોટના કાનજી ઉર્ફે આકાશ ઉર્ફે અક્કી ગોગનભાઈ પટેલ અને જામનગરના બિલાલશા હસનશા શાહમદારની ધરપકડ કરી તેમની વિશેષ પૂછપૂરછ હાથ ધરી છે. અક્કી અને બિલાલ વિરુદ્ધ શહેરના બી-ડિવિઝન, તાલુકા, ગાંધીગ્રામ અને ભક્તિનગર પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાયેલી છે.
પૂછપરછમાં એવો પણ ખુલાસો થયો છે કે અક્કી રાજકોટમાં સેલ્ફ ડ્રાઈવિંગ પર કાર ભાડે આપવાનો વ્યવસાય કરતાં ધંધાર્થી પાસેથી ગાડી લઈને થોડો સમય ભાડું આપતો અને ત્યારબાદ હાથ ઉંચા કરી દેતો હતો. અક્કી દ્વારા આ ગાડી જામનગરના બિલાલને આપી દેવાતી હતી. આ બન્નેએ મોંઘીદાટ કહી શકાય તેવી ૩.૫૧ કરોડની કારને પાણીના ભાવે વેચીને એકાદ કરોડની રોકડી કરી લીધી હતી. આ કારસ્તાનને બેલડીએ એક જ મહિનામાં અંજામ આપ્યો હોવાનું પણ ધ્યાન પર આવ્યું છે.
બિલાલ ડીઝલ ચોરી સહિતના ગુનાઓમાં સામેલ
પોલીસ પૂછપરછમાં એવો પણ ખુલાસો થયો છે કે ક્રાઈમ બ્રાન્ચના હાથે ઝડપાયેલો બિલાલ શાહમદાર ડીઝલ ચોરી સહિતના ગુનાઓમાં સામેલ છે. આ ઉપરાંત પકડાયેલી ગાડીઓ પૈકીની અમુક ગાડીઓ ગુનામાં પણ વપરાઈ હોવાનું ધ્યાન પર આવ્યું હોવાથી હવે તે દિશામાં પણ ક્રાઈમ બ્રાન્ચે ધ્યાન કેન્દ્રીત કર્યું છે.