મણિપુરમાં ફરી ભડકી હિંસા, બે જૂથ વચ્ચે અંધાધૂંધ ગોળીબારમાં કેટલા લોકોના થયા મોત..વાંચો
પૂર્વોત્તર રાજય મણિપુરમાં છેલ્લા ઘણા સમયથી હિંસા ફાટી નિકળી છે. લોકસભા ચૂંટણી પહેલા પણ આ હિંસા હજું યથાવત છે. અહીં કુકી અને મૈતઈ સમુદાયો વચ્ચે હિંસા ફાટી નીકળી છે. હવે ફરી એક વખત બે સશસ્ત્ર જૂથો વચ્ચે અંધાધૂંધ ગોળીબાર થયો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉપદ્રવીઓએ ત્રણ જિલ્લા કંગપોકપી, ઉખરુલ અને ઈમ્ફાલ પૂર્વના ત્રિજંક્શન જિલ્લામાં એકબીજા પર ગોળીબાર કર્યો હતો. આ ગોળીબારમાં કુકી સમુદાયના બે લોકોના મોત થઈ ગયા છે. હવે ફરી એક વખત હિંસા ફાટી નીકળતા અને બે લોકોના મોતથી હડકંપ મચી ગયો છે.
થૌબલ જિલ્લાના હેઈરોક અને તેંગનૌપાલ વચ્ચે 2 દિવસની ક્રોસ ફાયરિંગ બાદ ઇમ્ફાલ પૂર્વ જિલ્લાના મોઈરંગપુરેલમાં ફરી હિંસા ફાટી નીકળી હતી. જેમાં કાંગપોકપી અને ઈમ્ફાલ ઈસ્ટ બંનેના સશસ્ત્ર ઉપદ્રવીઓ સામેલ હતા.
પોલીસે જણાવ્યું કે, કાંગપોકપી, ઉખરુલ અને ઈસ્ટ ઈમ્ફાલના ચોક્કસ વિસ્તારોમાં હજુ પણ સ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ છે. પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ ઘટના બાદ વધારાના સુરક્ષા દળોને તેહનાત કરવામાં આવ્યા છે. આ ઘટનાના એક દિવસ પહેલા જ ગોળીબારની ઘટનામાં ત્રણ લોકો ઘાયલ થયા હતા.
મણિપુર જાતીય હિંસામાં 219 લોકોના મોત
ગત વર્ષે મે મહિનાથી મણિપુરમાં જાતીય હિંસા ફાટી નીકળી છે અને ત્યારબાદથી અત્યાર સુધીમાં લગભગ 219 લોકોના મોત થઈ ચૂક્યા છે. મણિપુરમાં પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થવાનું છે.