ઉજ્જ્વલાના લાભાર્થીઓ માટે શું છે સારા સમાચાર ? વાંચો
સબસિડી કેટલી મળશે અને ક્યારથી ?
દેશમાં એલપીજીના ગ્રાહકો માટે સારા સમાચાર બહાર આવ્યા છે. ચાલુ નાણાકીય વર્ષ એટલે કે એપ્રિલ-2024 થી માર્ચ 2025 સુધી કરોડો લોકોને સિલિન્ડર પર સબસિડી મળશે. આ સબસિડી રૂપિયા 300 હશે અને માત્ર 12 સિલિન્ડર માટે જ મળશે. જો કે આ યોજનાનો લાભ લેવા માટે ઉજ્જવલા યોજના સાથે જોડાયેલા હોવું અનિવાર્ય છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉજ્જવલા યોજના હેઠળ દેશના 9 કરોડથી વધુ લોકો જોડાયેલા છે. પાછલા માર્ચ માસમાં કેન્દ્ર સરકારે આ યોજના હેઠળ ગરીબ મહિલાઓને 300 રૂપિયા પ્રતિ સિલિન્ડર સબસિડી વધારવાનું એલાન કર્યું હતું. આ સબસિડી પહેલા માર્ચ 2024 સુધી હતી જેને વધારીને 31 માર્ચ -2025 કરી દેવાઈ છે.
સૌથી મહત્વની વાત એ છે કે સબસિડીની રકમ સીધા લાભાર્થીઓના બેન્ક ખાતામાં જાય છે. 2016 માં પ્રધાન મંત્રી ઉજ્જવલા યોજનાની શરૂઆત કરાઇ હતી. ગરીબ મહિલાઓને સુવિધા આપવા માટે વડાપ્રધાને આ યોજના મુકાવી હતી.
કેન્દ્ર સરકારે 2022 ના મે માસમાં ઈંધણના ભાવ વધ્યા બાદ સિલિન્ડર પર સબસિડી રૂપિયા 200 આપવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ હવે તેમાં વધારો કરીને રૂપિયા 300 કરી દેવાઈ છે અને કરોડો લોકોને તેનો લાભ મળી રહ્યો છે.