ચૂંટણીનું જાહેરનામુ પ્રસિધ્ધ તે પહેલાં જ આટલા કરોડ રૂપિયાની વાંધાજનક વસ્તુઓ પકડાઈ
૬.૫૪ કરોડની રોકડ, ૧૧.૭૩ કરોડનો દારુ, ૨૭.૬૨ કરોડનું સોનુ-ચાંદી સહિતનો મુદ્દામાલ જપ્ત
લોકસભા સામાન્ય ચૂંટણી-2024 અંતર્ગત ત્રીજા તબક્કામાં યોજાનાર ચૂંટણી અંગેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને તે અનુસાર લોકસભાની 26 બેઠકો માટેની સામાન્ય ચૂંટણી તથા વિધાનસભાની 5 બેઠકો માટેની પેટાચૂંટણી માટે આજથી ઉમેદવારીપત્રો ભરવાની શરૂઆત થઈ ગઈ છે.
મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતી એ જણાવ્યું હતું કે, ઉમેદવારી પત્રોની ચકાસણી તા.20 એપ્રિલ, 2024ના રોજ સવારે 11 કલાકે હાથ ધરવામાં આવશે. માન્ય થયેલા ઉમેદવાર ઈચ્છે તો તા.22 એપ્રિલ, 2024 ના રોજ બપોરે 03 વાગ્યા સુધીમાં પોતાની ઉમેદવારી પાછી ખેંચી શકશે.
રાજ્યમાં 27 જનરલ ઓબ્ઝર્વર, 28 એક્સપેન્ડિચર ઓબ્ઝર્વર્સ અને 14 પોલીસ ઓબ્ઝર્વરની નિમણૂંક કરવામાં આવી છે. ચૂંટણી ખર્ચ દેખરેખ અને નિયંત્રણ માટે રાજ્યમાં કાર્યરત 756 ફ્લાઈંગ સ્કવોર્ડ્સ દ્વારા અત્યાર સુધીમાં રૂ.6.54 કરોડ રોકડ, રૂ. 11.73 કરોડની કિંમતનો 3.84 લાખ લીટર જેટલો દારૂ, રૂ. 27.62 કરોડની કિંમતનું 45.37 કિલો સોનું અને ચાંદી, રૂ.1.73 કરોડની કિંમતના 564.49 કિલો પ્રતિબંધિત નશાકારક પદાર્થો તથા મોટરકાર, મોટર સાઈકલ, સીગારેટ, લાઈટર અને અખાદ્ય ગોળ સહિતની રૂ.39.20 કરોડની અન્ય વસ્તુઓ મળી કુલ રૂ.86.82 કરોડની વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. ચૂંટણી માટેનું જાહેરનામું પ્રસિદ્ધ થવા સાથે રાજ્યભરમાં 1,203 સ્ટેટીક સર્વેલન્સ ટીમ કાર્યરત થઈ ગઈ છે.
રાજ્યના તમામ જિલ્લાઓમાં રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની હાજરીમાં ઇવીએમના પ્રથમ રેન્ડમાઇઝેશનની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં ઇવીએમની ફાળવણી જિલ્લા કક્ષાએથી એસેમ્બ્લી સેગ્મેન્ટ કક્ષાએ કરવામાં આવી છે. હરીફ ઉમેદવારોની યાદી આખરી થયા બાદ હરીફ ઉમેદવારો કે તેમના પ્રતિનિધિઓ તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા નીમવામાં આવેલ જનરલ ઓબ્ઝર્વરની હાજરીમાં ઇવીએમના બીજા રેન્ડમાઇઝેશનની કામગીરી હાથ ધરવામાં આવશે.
મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી ખાતે કાર્યરત કંટ્રોલ રૂમના હેલ્પલાઈન નંબર ઉપર તા.16/03/2024થી આજદિન સુધીમાં કુલ 99 ફરિયાદો મળી છે, જે તમામનો પણ ચૂંટણી પંચની માર્ગદર્શિકા અનુસાર યોગ્ય નિકાલ કરવામાં આવ્યો છે.
