રૂપાલાને સ્વૈચ્છિક રીતે ઉમેદવારી પાછી ખેંચી લેવા ભાજપના જ નેતાએ લખ્યો પત્ર
ચુંટણીમાં પક્ષને થનારા સંભવિત નુકસાન અટકાવવા તથા રાજ્યની શાંતિ અકબંધ રાખવા જામનગર ભાજપ જિલ્લા મહામંત્રી પ્રવીણસિંહે જાડેજાએ પત્રમાં કરી માંગ
રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરસોતમ રૂપાલાને ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણી અંગે ઉમેદવારી સ્વૈચ્છિક રીતે પાછી ખેંચી લે તેમજ ચુંટણીમાં પક્ષને થનારા સંભવિત નુકસાન અટકાવવા તથા રાજ્યની શાંતિ અકબંધ રાખવાની માંગ સાથે પરસોતમ રૂપાલાને હવે ભાજપના જ જામનગર જિલ્લા મહામંત્રી પ્રવિણસિંહ જાડેજાએ પત્ર લખ્યો છે.
રાજકોટ બેઠકના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીને લઈને રાજ્યભરમાં વિરોધ થઈ રહ્યો છે અને રૂપાલાને હટાવવાની માંગ કરવામાં આવી રહી છે. તેવામાં હવે ભાજપના જ નેતાએ વિરોધમાં ઝંપલાવ્યું છે અને રૂપાલાને પત્ર લખ્યો છે.
રૂપાલાને લખવામાં આવેલા પત્રમાં જામનગર જિલ્લા ભાજપ મહામંત્રી પ્રવિણસિંહ જાડેજાએ કહ્યું હતું કે, રાજા રજવાડા અને ક્ષત્રિય સમાજની બહેન દીકરીઓની અસ્મિતા પર પ્રહાર સમાન કરેલા નિવેદનને કારણે રાજ્યમાં ઉભી થયેલી ગંભીર પરિસ્થિતિથી આપ વાકેફ જ છો. તમે પક્ષના સિનિયર, અનુભવી અને પ્રભાવી આગેવાન છો. પરંતુ તમારું આ નિવેદન મારી દ્રષ્ટિએ પક્ષના શિસ્તભંગનું ઉત્તમ ઉદાહરણ છે. કારણ કે, પક્ષ માટે નુકસાનકારક કોઈ વાત કે નિવેદન કરવું એ પક્ષની શિસ્તબદ્ધતા અને અનુશાસનનો ભંગ કર્યા સમાન હોય છે.
આ પત્રમાં સ્વ. અટલ બિહારી બાજપાયીજીના સૂત્ર મુજ સે બડા દલ ઔર દલ સે બડા દેશને ઉલ્લેખીને કહ્યું છે કે, જો તમે બાજપાયીજીએ કાર્યકરના સંદર્ભમાં આપેલી વ્યાખ્યા સમાન ઉક્ત વાક્યમાં માનતા હો તો, તમારે પોતાના હિત કરતાં પાર્ટી, રાજ્ય તથા દેશનું હિત મહત્વનું છે તેવું સ્વીકારીને આ ચુંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકેની તમારી ઉમેદવારી સામે ચાલીને રદ્દ કરવા માટે પાર્ટીને સ્વૈચ્છિક રીતે જણાવવું જોઈએ અને પાર્ટી પ્રત્યેની આપણી વફાદારીની ભાવનાને પ્રદર્શિત કરવી જોઈએ.
મહત્વનું છે કે, રૂપાલાના વિરોધમાં ક્ષત્રિયો ઠેર-ઠેર વિરોધ કરી રહ્યા છે ત્યારે રવિવારે જામનગરમાં પણ એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.