લોકસભા ચૂંટણી માટે આજે ઇવીએમ, વિવિપેટનું રેન્ડમાઇઝેશન
ચૂંટણી ફરજ ઉપરના સ્ટાફનું બીજું રેન્ડમાઇઝેશન પણ ટૂંક સમયમાં
લોકસભા ચૂંટણીમાં આગામી તા.7ના રોજ મતદાન યોજાનાર હોય જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીના ધમધમાટ વચ્ચે આજે ઇવીએમ અને વિવિપેટના રેન્ડમાઇઝેશન પ્રક્રિયા કરવામાં આવશે સાથે જ ચૂંટણી ફરજ ઉપરના સ્ટાફ માટે બીજા રેન્ડમાઇઝેશનની તૈયારીઓ પણ કરવામાં આવી રહી છે.
લોકસભા ચૂંટણી તૈયારી અંતર્ગત તમામ એઆરઓએ આવશ્યક સેવાના કર્મચારીઓને મુક્તિ માટે કલેકટર સાથે બેઠક યોજવામાં આવી હતી. તેમજ પ્રથમ રેન્ડમાઈઝેશન બાદ 10,500 કર્મચારીઓ નિયત કરી લેવામાં આવ્યા બાદ ચૂંટણી ફરજ ઉપરના સ્ટાફ માટે બીજા રેન્ડમાઇઝેશનની તૈયારી કરવામાં આવી રહી છે. રેન્ડમાઇઝેશન બાદ વિધાનસભા બેઠક મુજબ કર્મચારીઓને ચૂંટણી ફરજ સોંપવામાં આવશે.
દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા આજે ઇવીએમનું રેન્ડમાઇઝેશન કરવામાં આવશે જેમાં 10 રાજકોટ લોકસભા બેઠક માટે 3602 બીયું એટલે કે બેલેટ યુનિટ, 2976 સીયું એટલે કે સીયું યુનિટ અને 3489 જેટલા વિવિપેટનું રેન્ડમાઇઝેશન કરવામાં આવશે. દરમિયાન જિલ્લા કલેકટર અને ચૂંટણી અધિકારી દ્વારા તમામ એઆરઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી.