જીએસટી કલેકશને કેવો કર્યો રેકોર્ડ ? વાંચો
કેટલું થયું કલેક્શન ?
કેન્દ્ર સરકારની તિજોરી ભરાઈ રહી છે. નાણાકીય વર્ષ 2023-24ના માર્ચ મહિનામાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન, વાર્ષિક ધોરણે 11.5 ટકા વધીને રૂ. 1.78 લાખ કરોડ થયું છે. જે અત્યાર સુધીનું બીજું સૌથી મોટું કલેક્શન રહ્યું છે. અર્થતંત્રની રફતાર સતત વધી રહી છે.
નાણા મંત્રાલયે સોમવારે જણાવ્યું હતું કે, ઘરેલુ વ્યવહારોમાં વધારો થવાને કારણે માર્ચમાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન વધ્યું છે. આ અત્યાર સુધીનો સૌથી વધુ બીજો માસિક ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન છે. એપ્રિલ 2023માં અત્યાર સુધીનું સૌથી વધુ 1.87 લાખ કરોડ રૂપિયાનું ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન નોંધાયું હતું.
માર્ચમાં કલેક્શનમાં વધારા સાથે, સમગ્ર નાણાકીય વર્ષ 2023-24 માટે કુલ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન 20.14 લાખ કરોડ રૂપિયા થવા પામ્યું છે. જે પાછલા નાણાકીય વર્ષ 2022-23 કરતાં 11.7 ટકા વધુ છે. આ નાણાકીય વર્ષમાં સરેરાશ માસિક ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ કલેક્શન રૂ. 1.68 લાખ કરોડ હતું, જે એક વર્ષ અગાઉ રૂ. 1.5 લાખ કરોડ કરતાં વધુ હતું.
બે દિવસ પહેલા દેશના વિદેશી મુદ્રા ભંડારમાં પણ વિક્રમજનક વધારો થયો હતો. જીએસટીની આવક છેલ્લા ઘણા સમયથી સતત વધી રહી છે અને અર્થતંત્રના દરેક સેક્ટરમાં વિકાસની પુષ્ટિ કરે છે તેમ નાણા મંત્રાલયે જણાવ્યું હતું.