રાજકોટ ક્ષત્રિય સમાજની રજૂઆતમાં કમિશનર કચેરી ખાતે પોલીસ સાથે થઈ રકઝક..જુઓ વીડિયો…
કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે ઘસાતું બોલ્યા બાદ માફી માંગી લીધી છે. જો કે આ માફી ક્ષત્રિય સમાજને
નાકાફી’ હોવાથી રૂપાલાની વિરુદ્ધમાં દિવસેને દિવસે રોષ વકરી રહ્યો છે. દરમિયાન શનિવારે સાંજે ક્ષત્રિય સમાજ દ્વારા રેલનગર પાણીના ટાંકા સામે રૂપાલાનું પૂતળાદહન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની આગેવાની લેનાર ક્ષત્રિય સમાજના ત્રણ યુવાનો સામે પ્ર.નગર પોલીસે હુલ્લડ' સહિતની આકરી કલમો હેઠળ ગુનો નોંધી મોડીરાત્રે ત્રણેયની ધરપકડ કરતાં સ્થિતિ વધુ બગડી હતી. એકંદરે સ્થિતિ કાબૂ બહાર જઈ રહી હતી તેમાં વચ્ચે પોલીસે આગમાં પેટ્રોલ છાંટવા સમી
કામગીરી’ કરતાં ઉકળતાં ચરું જેવી સ્થિતિ નિર્માણ પામી ગઈ છે.
પ્ર.નગર પોલીસ દ્વારા રૂપાલાનું પૂતળું સળગાવનાર મહેન્દ્રસિંહ ઉર્ફે મેંદુભા ભીમદેવસિંહ પરમાર, નરેન્દ્રસિંહ લાખુભા જાડેજા અને નવલસિંહ અજીતસિંહ જાડેજા સામે સરકારી મિલકતોને નુકસાન, સુવ્યવસ્થિત કાવતરું રચી હુલ્લડ કરવાના ઈરાદા સહિતની આકરી કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. આ પછી મોડીરાત્રે અંદાજે ચારેક વાગ્યાના અરસામાં ત્રણેયની ધરપકડ કરી લેતાં વાત વાયુવેગે પ્રસરી જતાં ક્ષત્રિય સમાજના આગેવાનો મોટી સંખ્યામાં પ્ર.નગર પોલીસે પહોંચ્યા હતા અને પોલીસ સામે મનસ્વી રીતે ગુનો નોંધ્યાના આક્ષેપ સાથે હોબાળો મચાવ્યો હતો. પ્ર.નગર પોલીસ દ્વારા કશી જ કાર્યવાહી કરવામાં ન આવતાં પોલીસ કમિશનર કચેરીએ આગેવાનો દોડી ગયા હતા જ્યાં એસીપી રાધીકા ભારાઈ, ગાંધીગ્રામ પીઆઈ બી.ટી.અકબરી સહિતના અધિકારીઓ પહોંચતાં આગેવાનોની તેમની સાથે ચડભડ પણ થઈ હતી.
ક્ષત્રિય સમાજે રોષપૂર્વક જણાવ્યું કે ભૂતકાળમાં અનેક રાજકીય નેતાઓ કે જેઓ સરકારમાં ઉચ્ચ હોદ્દા ઉપર બેઠેલા છે તેમના પૂતળાનું જાહેરમાં દહન કરવામાં આવ્યું છે પરંતુ ત્યારે પોલીસે કોઈ વખત હુલ્લડ, મંડળી રચવી, સરકારી મિલકતોને નુકસાન પહોંચાડવા સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો નથી ત્યારે રૂપાલાનું પૂતળું સળગાવનાર ક્ષત્રિય યુવકો સામે શા માટે આ પ્રકારની આકરી કાર્યવાહી કરવામાં આવી ? શું પોલીસ ભાજપ તેમજ રૂપાલાના ઈશારે કામ કરી રહી છે ? જો તાત્કાલિક ક્ષત્રિય યુવકો સામે લગાવાયેલી કલમો હટાવવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજ ચૂપ નહીં બેસે અને ત્યારબાદ આવનારા પરિણામની જવાબદારી સંપૂર્ણપણે પોલીસ તંત્રની જ રહેશે !
જો કે સ્થિતિ વધુ ન વણસે તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને અધિકારીઓ ઓન ફિલ્ડ ઉતરી ગયા હતા.
જાવ, ઘરે જઈને લેતા આવો':
ડીસીપીનો આદેશ છૂટતાં જ પોલીસ દોડી ! સૂત્રો પાસેથી જાણવા મળેલી વિગતો પ્રમાણે ત્રણ ક્ષત્રિય યુવક સામે ગુનો મોડીરાત્રે જ નોંધાઈ ગયો હતો. આ વેળાએ ડીસીપી ઝોન-૨ સુધીરકુમાર દેસાઈ પણ પ્ર.નગર પોલીસ મથકે હાજર હોવાથી તેમણે જ સ્ટાફને
જાવ, ઘરે જઈને લેતા આવો’ તેવા આદેશ આપતાં ટીમ નરેન્દ્રસિંહ લાખુભા જાડેજા, મહેન્દ્રસિંહ ઉર્ફે મેંદુભા ભીમદેવસિંહ પરમાર અને નવલસિંહ અજીતસિંહ જાડેજાના ઘેર દોડી જઈ તેમની ધરપકડ કરી લાવી હતી !