ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠતાં રાજકોટિયન્સ
બપોરના સમયે અગનવર્ષાથી માર્ગો બન્યા સૂમસામ: જનજીવન અસ્તવ્યસ્ત
રાજકોટ સહિત રાજ્યભરમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે. અસહ્ય ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, કચ્છ સહિતના જિલ્લાઓમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર રહેતા જન જીવન અસ્તવ્યસ્ત થયું છે. ગરમીના પ્રકોપને કારણે રાજકોટિયન્સ ત્રાસી ઉઠયા છે.
રાજકોટમાં સતત છેલ્લા બે દિવસથી 41 ડિગ્રીને પાર રહ્યું હતું જ્યારે શુક્રવારે બપોરના સમયે તાપમાનનો પારો 40 ડિગ્રીએ પહોંચી ગયો હતો. સતત પડી રહેલી અસહ્ય ગરમીને કારણે શહેરમાં લોકો ગરમીથી ત્રાસી ઉઠયા છે. તો બીજી તરફ બપોરના સમયે શહેર અગનભઠ્ઠીમાં ફેરવાઇ જતું હોય શહેરના માર્ગો સૂમસામ બની જાય છે. શહેરમાં સવારથી જ મહત્તમ તાપમાનનો પારો ઉંચે જતો રહે છે અને રાત્રિ સુધી ગરમી પોતાનો કહેર વરસાવે છે.
ગરમીના હાહાકાર વચ્ચે હવામન વિભાગે આગાહી કરી છે કે, આગામી પાંચ દિવસ ગરમી હજુ કહેર મચાવશે. મહત્વનું છે કે, હાલ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાત સુધીમાં લોકો ગરમીથી ત્રાસી ઉઠયા છે. રાજ્યમાં અમરેલી, સુરેન્દ્રનગરમાં, અમદાવાદ, રાજકોટમાં તાપમાનનો પારો 40 ડિગ્રી પહોંચ્યો હતો જ્યારે ગાંધીનગર, ખેડા, કચ્છ અને ડીસામાં તાપમાન 39 ડિગ્રીએ પહોંચ્યું હતું.
રાજ્યમાં સૌથી વધુ ગરમ રાતને લઈને પણ ચેતવણી અપાઈ છે. અમદાવાદ, બનાસકાંઠા, આણંદ, વડોદરામાં રાત્રિ દરમિયાન ગરમીની આગાહી કરવામાં આવી છે. ન્યૂનતમ તાપમાન સામાન્ય કરતાં 4-5 ડિગ્રી વધુ ગરમી રહેવાની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં હીટવેવ વચ્ચે માવઠુ
રાજ્યમાં એક બાજુ કાળઝાળ ગરમી પડી રહી છે તો બીજી બાજુ દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પણ પડ્યા હતા. વલસાડ, ઉમરગામ, તાપી જિલ્લાના સોનગઢ, ડાંગ અને દાહોદ પંથકમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જો કે ખેડૂતો પાકને લઈને ચિંતામાં મુકાયા હતા.
