600 વકીલોએ કોને લખ્યો પત્ર ? વાંચો
શું કરી ફરિયાદ ?
દીલ્હી દારૂનીતિકાંડમાં અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ દેખાવો અને સૂત્રોચ્ચાર થયા બાદ વકીલ આલમમાં જોરદાર પડઘા પડ્યા છે. વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે સહિત દેશભરના 600થી વધુ વકીલોએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચૂડને પત્ર લખીને ન્યાયપાલિકા પર સવાલ ઉઠાવવા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. અદાલતી કાર્યવાહી પર દબાણ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેવી ચિંતા દર્શાવી હતી.
વકીલોએ આ પત્રમાં લખ્યું છે કે, એક ગ્રુપ ન્યાયિક ચુકાદાને પ્રભાવિત કરવા માટે દબાણની રણનીતિ અપનાવી રહ્યું છે. તે ખાસ કરીને રાજનીતિક હસ્તીઓ અને ભ્રષ્ટાચારો સાથે સબંધિત મામલે વધુ જોવા મળી રહ્યું છે. તેમનો તર્ક છે કે, આ કાર્યવાહીઓ લોકતાંત્રિક માળખા અને ન્યાયિક પ્રક્રિયામાં રાખવામાં આવેલા ભરોસા માટે ખતરો ઊભો કરે છે.
આ ચોક્કસ ગ્રુપ અલગ-અલગ રીતે પ્રપંચ કરી રહ્યું છે. તેનાથી ન્યાયપાલિકાની ગરિમાને ઠેસ પહોંચે છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે, આ ગ્રુપ એવા નિવેદનો આપે છે જે યોગ્ય નથી હોતા અને તેઓ રાજકીય લાભ લેવા માટે આવું કરે છે. રાજનીતિક હસ્તીઓ અને ભ્રષ્ટાચારના મામલે દબાણ બનાવવાનો પ્રયાસ કરવામાં આવે છે.
જે વકીલોએ પત્ર લખ્યો છે તેમાં હરીશ સાલ્વે, મનન કુમાર મિશ્રા, આદિશ અગ્રવાલ, ચેતન મિત્તલ, પિંકી આનંદ, હિતેશ જૈન, ઉજ્જવલા પવાર, ઉદય હોલ્લા, સ્વરૂપમા ચતુર્વેદી અને દેશભરના 600થી વધુ વકીલો સામેલ છે.