મુંબઈ ટીમનાં બે ફાડિયાં ! રોહિત-હાર્દિક વચ્ચે `જૂથવાદ’
રોહિતના જૂથમાં બુમરાહ-સૂર્યકુમાર-તીલક સહિતના તો હાર્દિકના જૂથમાં ઈશાન કિશન જેવા ખેલાડીઓ: બન્ને વચ્ચેના સંબંધમાં ઉભી તીરાડ
મુંબઈ ઈન્ડિયન્સે પોતાના પાંચ વખતના ચેમ્પિયન કેપ્ટન રોહિત શર્માને હટાવીને આઈપીએલની ૧૭મી સીઝનમાં હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો છે. જો કે લાગે છે કે હાર્દિકના આવવાથી ટીમનો માહોલ મૈત્રીપૂર્ણ રહ્યો નથી ! મુંબઈની ટીમનાં બે ફાડિયાં પડી ગયા હોવાની વિગતો બહાર આવી રહી છે. હાર્દિકની રણનીતિ ખરાબ રીતે નિષ્ફળ નિવડી છે અને તેના તમામ દાવ ઉંધા પડી રહ્યા છે. ટીમ બે મેચ હારી ચૂકી છે અને સીનિયર ખેલાડીઓ હાર્દિક પંડ્યા સાથે સંતુલન જાળવી શકતાં નથી. ખાસ કરીને રોહિત શર્મા સાથે હાર્દિકના સંબંધ બિલકુલ ઠીક નથી અને ટીમમાં જૂથબાજી તેની ચરમસીમાએ છે.
એક અહેવાલ પ્રમાણે મુંબઈ ઈન્ડિયન્સે જે પ્રકારે રોહિતને હટાવીને હાર્દિકને કેપ્ટન બનાવ્યો છે તેનાથી બન્ને ખેલાડીઓના સંબંધમાં કડવાશ આવી ગઈ છે. બુમરાહ, સૂર્યકુમાર, તીલક વર્મા સહિતના અમુક ખેલાડી હવે રોહિત શર્માના જૂથમાં છે તો હાર્દિક પંડ્યાને ઈશાન કિશન સહિત ટીમના માલિકોનો ખુલ્લો સપોર્ટ છે. આ જ રીતે કોચિંગ સ્ટાફ પણ વહેંચાઈ ગયો છે. કાયરન પોલાર્ડ સાથે હાર્દિકના મીત્રતાભર્યા સંબંધ કોઈનાથી છૂપા નથી પરંતુ બોલિંગ કોચ લસિથ મલિંગાને ખુરશી પરથી હટાવીને ખુદ બેસી જવાનો વીડિયો પણ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
હાર્દિક પંડ્યાની રમત જોતા સૌ કોઈ માની રહ્યા છે કે તેને કોઈ જ પ્રકારની પરવા નથી. અંબાણી પરિવારનો જે પ્રકારે ખુલ્લો સપોર્ટ છે તેનાથી તેની રમતમાં લાપરવાહીની દૂર્ગંધ આવી રહી છે. બુમરાહ જેવા સીનિયર બોલર હોવા છતાં પહેલી મેચમાં તે પોતે બોલિંગ કરવા આવ્યો તો બીજી મેચમાં ૧૭ વર્ષના અનુભવહિન અને નવોદિત મફાકાને તક આપી દીધી હતી. પંડ્યાના વલણનું નુકસાન ટીમે ભોગવવું પડ્યું છે.