કોંગી નેતા પ્રિયંકા ગાંધીનો ચોંકાવનારો આક્ષેપ
કેન્દ્રીય એજન્સીઓના રડાર પર રહેલી 41 કંપનીએ ભાજપને રૂ. 2592 કરોડ આપ્યા
16 શેલ કંપનીઓએ પણ દાન આપ્યું હોવાનો દાવો
ભાજપે કેન્દ્રીય તપાસ એજન્સીઓને હાથો બનાવી ઇલેકટોરલ બોન્ડ દ્વારા વિવિધ કંપનીઓ પાસેથી કરોડો રૂપિયા મેળવી લીધા હોવાનો કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધીએ આક્ષેપ કર્યો હતો.
ઇલેક્ટોરલ બોન્ડ ની વિગતો જાહેર કરવા માટે કાનૂની જંગ લડનાર ચળવળકારોનો હવાલો આપી તેમણે ઇન્કમટેક્સ, સીબીઆઇ અને ઇડી ની તપાસનો સામનો કરી રહેલી 41 કંપનીઓએ ભાજપને કુલ 2592 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ આપ્યા હોવાનો ધડાકો કર્યો હતો. એ પૈકીના 1698 કરોડ આ કંપનીઓ પર દરોડા પડ્યા બાદ ભાજપને મળ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે 16 સેલ કંપનીઓએ પણ ભાજપને 419 કરોડના બોન્ડ આપ્યા છે. 38 કોર્પોરેટ જૂથો દ્વારા ભાજપને 2004 કરોડ મળ્યા હોવાનો અને તેના બદલામાં કેન્દ્ર સરકાર તેમ જ ભાજપ શાસિત રાજ્ય સરકારોએ ૩.૮ લાખ કરોડ રૂપિયાના કોન્ટ્રાક્ટ અને પ્રોજેક્ટની લહાણી કરી હોવાનો પણ તેમણે આક્ષેપ કર્યો હતો.
30 સેલ કંપનીઓએ 143 કરોડના બોન્ડ ખરીદ્યા: પ્રશાંત ભૂષણ
ઇલેક્ટોરલ બોન્ડ ની વિગતો જાહેર કરવા માટે સર્વોચ્ચ અદાલતમાં અરજી કરનાર એડવોકેટ પ્રશાંત ભૂષણ ના જણાવ્યા અનુસાર 30 સેલ કંપનીઓ દ્વારા 143 કરોડ ની કિંમતના બોન્ડ ખરીદવામાં આવ્યા હતા. તેમણે પણ ભાજપને મળેલા 1651 કરોડના દાનના બદલામાં વિવિધ કંપનીઓને 3.7 લાખ કરોડના પ્રોજેક્ટસ આપવામાં આવ્યા હોવાનો દાવો કર્યો હતો. 49 કિસ્સામાં 62000 કરોડના પ્રોજેક્ટ મંજૂર થયા બાદ ભાજપને ‘ કિકબેક ‘ તરીકે 580 કરોડના ઇલેક્ટોરલ બોન્ડ મળ્યા હોવાનો તેમણે આક્ષેપ કર્યો હતો. ફ્યુચર ગેમિંગે ઇન્કમટેક્સ અને ઇડીની રેડ પડ્યા બાદ ભાજપને 60 કરોડ આપ્યા હોવા સહિતના કેટલાક ઉદાહરણો પણ તેમણે રજૂ કર્યા હતા.