ભાજપના બે ઉમેદવાર સેલ્ફઆઉટ : ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો
વડોદરાના રંજનબેન ભટ્ટે ના પાડી દીધાના એક કલાક પછી સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ નનૈયો ભણ્યો
આંતરિક વિખવાદ સપાટી ઉપર આવતા વિપક્ષને મુદ્દો મળી ગયો
ગુજરાત લોકસભાની ૨૬માંથી ૨૬ બેઠક જીતીને હેટ્રિક કરવા ઉપરાંત બધી બેઠક ઉપર પાંચ લાખથી વધુની લીડ મેળવવાની તૈયારી સાથે પુરજોશમાં પ્રચાર કરી રહેલા ભાજપને શનિવારે એક કલાકમાં બે આંચકા મળ્યા હતા. વડોદરાના સીટીંગ એમ.પી. રંજનબેન ભટ્ટે સોશિયલ મીડિયા ઉપર પોતે ચૂંટણી લડવા નથી માંગતા તેવી જાહેરાત કરી હતી અને તેના એક કલાકમાં જ સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોર પણ આ જ પધ્ધતિ અપનાવી ચૂંટણી મેદાનમાંથી ખસી ગયા હતા. આ બંને સીટ ઉપરના ઉમેદવાર જાહેર થયા ત્યારથી અસંતોષનો ઉભરો બહાર આવ્યો હતો અને નિવેદનબાજી થઇ રહી હતી. રંજનબેન ભટ્ટ અને ભીખાજી ઠાકોરે આ વિખવાદથી કંટાળીને ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી છે પણ વિરોધપક્ષને ભાજપ સામે એક નવો મુદ્દો જરૂર મળી ગયો છે.
કોઈ તો એમ પણ કહે છે કે, ભાજપના મોવડી મંડળની સૂચનાને આધારે જ આ બંને ઉમેદવારોએ ચૂંટણી નહી લડવાની જાહેરાત કરી છે.
વડોદરાના ભાજપના મહિલા આગેવાન જ્યોતિબહેન પંડ્યાએ રંજનબહેન ભટ્ટ સામે અંગત આક્ષેપ કરી હંડકપ મચાવ્યો હતો અને તેમને સતત ત્રીજી વાર ઉમેદવાર બનાવવા પર વિરોધ નોંધાવ્યો હતો જો કે, પાર્ટીએ જ્યોતિબેન પંડયાને સસ્પેન્ડ કરી દીધા હતા.
વડોદરામાં ‘મોદી તુજસે વેર નહીં, રંજન તેરી ખેર નહીં’ ‘વડોદરાનો વિકાસ ક્યાં ગયો?’ ‘કોઇના ગજવામાં કે ઘરમાં ગયો, જનતા જવાબ માંગે છે’ જેવા પોસ્ટરો લગાવીને રંજનબેન ભટ્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો.
આ વિરોધથી નારાજ થઈને રંજનબેને ચૂંટણી નહી લડવાનું મન બનાવ્યું હતું અને આજે સોશિયલ મીડિયા મારફત જાહેરાત પણ કરી દીધી હતી. તેમણે પત્રકારોને કહ્યું હતું કે, છેલ્લા ૧૦ દિવસથી જે થઇ રહ્યુ છે તેને કારણે ખોટી બદનામી થાય છે. અને આ કારણથી મેં ચૂંટણી નહી લડવાનું નક્કી કર્યું છે.
રંજનબેનની આ જાહેરાત પછી કલાકમાં જ સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોરે પણ ચૂંટણી મેદાન છોડવાની જાહેરાત કરી હતી.
બીજી બાજુ ભાજપે ગયા અઠવાડિયે જાહેર કરેલી પોતાની બીજી યાદીમાં ભીખાજી ઠાકોરને સાબરકાંઠામાંથી મેદાનમાં ઉતાર્યા હતા. ભીખાજી ઠાકોરના નામની જાહેરાત થતાં જ સોશ્યલ મીડિયા વૉટ્સએપ પર ભીખાજી ઠાકોરની અટકને લઇને એક વિવાદ શરૂ થયો હતો, જેમાં તેમને ભીખાજી ડામોર તરીકે દર્શાવવામાં આવ્યા હતા.
સાબરકાંઠા મતવિસ્તારમાં બહુમતી ધરાવતા ઠાકોર સમાજના નામે એક પત્રિકા વાયરલ થઇ રહી છે, જેમાં ભીખાજીની અટકને લઇને વિવાદ છે. હાલમાં સાબરકાંઠાના ભાજપ ઉમેદવાર વિરૂદ્ધ આ પત્રિકા વૉર પુરજોશમાં શરૂ થયુ છે. આ પત્રિકામાં ભીખાજીની અટકને લઇને કહેવાયુ હતું કે, ભીખાજી ડામોરે જ્ઞાતિ બદલી છે અને ડામોરમાંથી ઠાકોર થયા છે. આ વિવાદને લઇને સમગ્ર બેઠક પર વિરોધના સૂર ઉઠ્યા હતા.અરવલ્લી અને સાબરકાંઠાના ઠાકોર સમાજના નામથી આ પત્રિકા પ્રદેશ ભાજપ અધ્યક્ષને સંબોધીને લખાઇ હતી.
આ વિવાદને લીધે ભીખાજી ઠાકોરે આજે પોતે સાબરકાંઠાથી ચૂંટણી લડવા નથી માંગતા તેવી જાહેરાત કરી દીધી હતી.
એક સાથે બે બે ઉમેદવારોએ ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવતા ભાજપની સ્થિતિ પણ મૂંઝવણભરી બની છે.