હવે ઉદ્યોગો-બગીચા-બાંધકામ માટે ગટરનું પાણી વપરાશે !
ચોખ્ખા પાણીનો બચાવ કરી તેને પીવા માટે જ ઉપયોગમાં લેવા મહાપાલિકા ટૂંક સમયમાં અમલી બનાવશે વોટર રી-યુઝ પોલિસી
ઉદ્યોગો, બગીચાઓ, બાંધકામ કરવા માટે મહદ અંશે ચોખ્ખા પાણીનો ઉપયોગ કરવામાં આવી રહ્યાનું ઘણી વખત જોવા મળી રહ્યું છે ત્યારે હવે આ સિલસિલા પર બ્રેક લગાવીને ચોખ્ખા પાણીની જગ્યાએ ટ્રીટેડ વોટર મતલબ કે ગટરના પાણીને વાપરવા લાયક બનાવીને તેનો ઉપયોગ કરવામાં આવશે. આ માટે મહાપાલિકા દ્વારા ટૂંક સમયમાં વોટર રી-યુઝ પોલિસી અમલી બનાવવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે.
મહાપાલિકા દ્વારા ૭ સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત છે જેની દૈનિક કુલ ટ્રીટમેન્ટ ક્ષમતા ૩૩૧.૫ એમએલડી છે જેમાં પ્રતિદિવસ ૨૬૦ એમએલડી ગટરના પાણીને ચોખ્ખું કરવામાં આવે છે. મહાપાલિકા દ્વારા આ પ્લાન્ટમાં ચોખ્ખા થયેલા પાણીનો પુન: વપરાશ કરવા માટે તૈયારી કરવામાં આવી રહી છે જે અંતર્ગત નિયત થયેલા દરે પાણીનો ચાર્જ વસૂલીને જળજથ્થો આપવામાં આવશે.
મ્યુનિ.કમિશનર આનંદ પટેલે જણાવ્યું કે મહાપાલિકા દ્વારા ઈશ્વરીયા મહાદેવ સહકારી મંડળી તેમજ આણંદપર પિયત સહકારી મંડળીને ઈરીગેશન (સિંચાઈ) હેતુ માટે આ ટ્રીટ થયેલું પાણી આપવામાં આવે છે. ટૂંક સમયમાં અલગ-અલગ ક્ષેત્ર જેવા કે ઉદ્યોગ, બાંધકામ, બાગાયત વગેરેમાં આ પ્રકારનું પાણી વપરાય તે માટે એક બેઠક બોલાવવામાં આવશે. દરમિયાન નાકરાવાડી સ્થિત વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટ માટે નુએઝ ટ્રીટેડ વોટરની ૧૨ કિલોમીટરની પાઈપલાઈન નાખવામાં આવી રહી છે જે પૈકી ૮ કિલોમીટર પાઈપલાઈન બીછાવવાનું કાર્ય પૂર્ણ થઈ ચૂક્યું છે.
