લેબર કોન્ટ્રાકરને હનીટ્રેપમાં ફસાવનાર ટોળકી પકડાઈ
યુવતી સાથે રાજકોટના ત્રણ અને એક જુનાગઢના શખ્સે મળી અનેક વેપારીને ફસાવ્યાની ખૂલ્યું
રાજકોટ ગ્રામ્ય એલસીબીના પી. આઈ વી. વી. ઓડેદરા અને ટીમની કામગીરી
મોરબીનાં લેબર કોન્ટ્રાકટર ભરતભાઈ ભીખાભાઈ કારોલીયાને હનીટ્રેપમાં ફસાવી રૂ.35 લાખ માંગ્યા બાદ રૂ.23.50 લાખ પડાવી લેનાર મહિલા અને તેના સાગરીતો રાજકોટના શખ્સ સહિત પાંચ ની રાજકોટ ગ્રામ્ય એલસીબીએ ધરપકડ કરી રૂ.21.76 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
મોરબીનાં કેનાલ રોડ પર ગંગાદર્શન એપાર્ટમન્ટમાં રહેતા અને સિરામીક કંપનીમાં લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતાં ભરતભાઈ ભીખાભાઈ કારોલીયા (ઉ.50)ને એક મહિના પહેલા એક યુવતીનો રોંગ નંબર ઉપરથી ફોન આવ્યો હતો ત્યારબાદ અનેક વખત ફરિયાદી સાથે ફોન પર વાત કરી વેપારીને યુવતીએ પ્રેમજાળમાં ફસાવ્યો હતો.અને ગત તા.4ના સવારે ફોન કરી ખોડલધામ મંદિરે મળવા માટે બોલાવ્યો હતો અને ભરતની કારમાં યુવતીએ શારીરિક સંબધ બાંધવાની વાત કરી હતી. પરંતુ ભરતે ના પાડી હતી. ત્યારે ચાર શખ્સો ત્યાં આવ્યા અને ભરતભાઈની કારમાં બેસી બળાત્કારના ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપી માર માર્યો અને રૂ.35 લાખ માંગ્યા બાદ રૂ.23.50 લાખ આપવાનું નક્કી થયું હતું અને ભરતભાઈએ આંગડિયાથી રૂપિયા મંગાવ્યા હતા. ભરતભાઈએ સુલતાનપૂર પોલીસમાં યુવતી સહિત પાંચ સામે હનીટ્રેપ અને બળજબરીથી પૈસા પડાવવા અંગે ફરિયાદ નોંધાવી હતી. રાજકોટ ગ્રામ્ય એલસીબીના પીઆઇ વી.વી.ઓડેદરા અને તેમની ટીમે તપાસ કરી ટોળકીની ધરપકડ કરી હતી.
પોલીસે જેની ધરપકડ કરી છે તેમાં ક્રિષ્ના નામ ધારણ કરનાર યુવતી અને તેના સાગરીત રાજકોટ, ચામુંડા સોસાયટી શેરી નં.ર પુનીતનગર જી.ઈ.બી.પાવર હાઉસ સામે રહેતા શૈલેશગીરી ઉર્ફે ભાણો રમેશગીરી ગોસાઇ,રાજકોટ, નવાગામ, સોમનાથ સોસાયટી, રંગીલા સોસાયટી પાસે રહેતા અતિતભાઇ રાજરતનભાઇ વર્ધન,રાજકોટના ગોડલ રોડ, જકાતનાકા પાછળ, ખોડીયાર નગર, સરકારી સ્કુલની બાજુમા રહેતા વિક્રમભાઇ ઉર્ફે વીરાભાઇ લીંબાભાઇ તરગટા તેમજ જુનાગઢ, ગીરનાર દરવાજા, ગણેશનગર શેરી નં.3માં રહેતા હરેશભાઇ નાનજીભાઇ વાળા ની ધરપકડ કરવામાં આવી છે.
પૂછપરછમાં જાણવા મળ્યું કે આ ટોળકીએ મોરબીના બુકસ્ટોલમાંથી ડિરેક્ટરી ટેલીફોન મેળવી મોરબીના 10 જેટલા કારખાનેદારને હનીટ્રેપમાં ફસાવવા યુવતી પાસે અલગ અલગ મોબાઇલ નંબરોમાંથી ફોન કરાવ્યા હતા. અને કેટલાકને મળવા બોલાવી ખોટી ફરીયાદ કરવાની ધમકી આપી મોટી રકમ પડાવી હોવાનું પણ જાણવા મળ્યું છે,ત્યારે આ મામલે પોલીસે ટોળકીનો ભોગ બનેલા લોકોને ગોંડલના સુલતાન પોલીસ મથકનો સંપર્ક કરવા જણાવાયું છે.
