ગુજરાત યુનિ.ની ઘટનામાં સુઓ મોટો લેવાનો હાઇકોર્ટનો ઇનકાર
વિદેશી વિદ્યાર્થીઓ પરના હુમલા કેસમાં પાંચની ધરપકડ
શનિવારે રાત્રે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં નમાજ પઢી રહેલા વિદેશી વિદ્યાર્થીઓ પર હુમલો કરવાના કેસમાં પોલીસે પાંચ શખ્સોની ધરપકડ કરી હતી. દરમિયાનમાં આ કેસમાં સુઓમોટો લેવાનો ગુજરાત હાઇકોર્ટે ઇનકાર કર્યો હતો.
એક વકીલે કરાર અંતર્ગત ગુજરાતમાં ભણવા આવેલા વિદેશી વિદ્યાર્થીઓ પરના હુમલાને ગંભીર ગણાવી સુઓમોટો લેવા માટે હાઇકોર્ટમાં અરજી કરી હતી. જોકે હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને ન્યાયાધીશ અનિરુદ્ધ માયીએ એ માગણી નો ઇનકાર કરતા જણાવ્યું કે તપાસ કરવાનું કામ કોર્ટનું નથી. એ કામ પોલીસ નું છે. પોલીસ કમિશનરે પણ ઘટના સ્થળની મુલાકાત લઇ તપાસ કરી છે અને કેટલાક આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.
મારે ચર્ચાસ્પદ બનેલ આ બનાવમાં પોલીસે અત્યાર સુધીમાં હિતેશ મેવાડા, ભરત પટેલ, ક્ષિતિજ પાંડે, જીતેન્દ્ર પટેલ અને સાહિલ દુધાતિયા નામના પાંચ શખ્સોની ધરપકડ કરી છે.
ધાર્મિક પ્રવૃત્તિ રૂમમાં જ કરી શકાય: કુલપતિ
ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ નીરજા ગુપ્તાએ જણાવ્યું કે વિદેશી વિદ્યાર્થીઓ માટે એન આર આઈ હોસ્ટેલ તૈયાર થઈ ગઈ છે. તેનું ફાયર એનઓસી બે દિવસ પહેલા જ મળ્યું છે અને હવે તમામ વિદેશી વિદ્યાર્થીઓને એ હોસ્ટેલમાં ખસેડાશે. ત્યાં સિક્યુરિટી માટે એક્સ આર્મીમેનને ફરજ સોંપવામાં આવશે. તેમણે જણાવ્યું કે નમાજ કે પછી બીજી કોઈપણ ધાર્મિક પ્રવૃત્તિ ધાર્મિક સ્થળ અથવા તો રૂમમાં રહીને જ કરી શકાશે.
