રાજકોટમાં અંગ દઝાડતી ગરમી: તાપમાનનો પારો ક્યાં પહોંચ્યો જુઓ…
બપોરના સમયે લોકોની અવર-જવર ઓછી થઈ: સૂર્યનારાયણના આકરા મિજાજનો સામનો કરતાં શહેરીજનો
રાજકોટમાં દિવસેને દિવસે તાપમાનનો પારો ઉચકાતા હવે અસહ્ય ગરમી અનુભવાઇ રહી છે. રવિવારે બપોરના સમયે મહત્તમ તાપમાનનો પારો 38 ડિગ્રીએ પહોંચી ગયો હતો. સતત બે દિવસથી શહેરીજનો સૂર્યનારાયણના આકરા મિજાજનો સામનો કરી રહ્યા છે.
રાજકોટમાં છેલ્લા બે દિવસથી મહત્તમ તાપમાનનો પારો સતત ઉચકાઈ રહ્યો છે. શનિવારે 36 ડિગ્રીએ મહતમ તાપમાન પહોંચતા લોકો અકળાઈ ઉઠયા હતા. જ્યારે રવિવારે તાપમાનનો પારો વધુ 2 ડિગ્રી ઉચકાતા બપોરના સમયે તાપમાન 38 ડિગ્રીએ પહોંચ્યું હતું અને લોકોએ અંગ દઝાડતી ગરમીનો અહેસાહ કર્યો હતો.
શહેરમાં ગરમીનું પ્રમાણ વધતાં જ બપોરના સમયે લોકોની અવાર-જવર ઓછી થઈ ગઈ હતી અને લોકો જરૂરી કામ વગર ઘરમાં જ પુરાઈ રહ્યા હતા. તો બીજી તરફ ગરમીથી બચવા ઘર અને ઓફિસોમાં એસી, પંખા ઓન થયા હતા. મહત્વનું છે કે, માર્ચ મહિનાની શરૂઆતમાં જ માવઠું થયું હતું અને ત્યારબાદ બેવડી ઋતુ અનુભવાતી હતી. પરંતુ હવે ધીમે-ધીમે વાતાવરણમાં ગરમીનું જોર વધી રહ્યું છે.