ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદને આપી આટલા કરોડના કામોની ભેટ…જુઓ
૩૦૧૨ કરોડથી વધુના ૬૩ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, ઔડા તેમજ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિ. અંતર્ગત ગાંધીનગર લોકસભા, અમદાવાદ પૂર્વ તેમજ અમદાવાદ પશ્ચિમ લોકસભા વિસ્તારમાં રૂ. ૩૦૧૨ કરોડથી વધુના ૬૩ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તના અવસરે દિલ્હીથી વર્ચ્યુઅલ માધ્યમથી જોડાયા હતા. તેમણે ૧૯૦૦ જેટલા LIG આવાસ, મુમદપુરા અંડરપાસ, ગોધાવી બ્રિજ, મલ્ટી પર્પઝ બિલ્ડીંગ, ૭ હેલ્થ ATM, પ્રાથમિક શાળાઓ અને આંગણવાડીનું લોકાર્પણ કર્યું હતું. તેમણે રેલવે અન્ડરબ્રીજ, રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, ૪૦ સ્માર્ટ સ્કૂલ, વોટર ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક, ડ્રેનેજ લાઈન્સ, પ્રાઇમરી હેલ્થ સેન્ટર, LIG આવાસ, વેસ્ટ કલેક્શન સેન્ટર અને બેરેજ કમ બ્રિજ સહિતના વિકાસકામોનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું.
ગાંધીનગર લોકસભા વિસ્તારની તમામ શાળા હવે અનુપમ સ્માર્ટ સ્કુલ બની જશેઃ અમિત શાહ
ગાંધીનગર લોકસભા વિસ્તારના નાગરિકોને ઔડા અને AMC ના રૂ. ૧૮૦૫ કરોડના વિકાસકામો તેમજ અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા વિસ્તારના નાગરિકોને AMCના રૂ. ૧૨૦૬ કરોડના વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્તની ભેટ મળી છે. આ પ્રસંગે તેમણે કહ્યું કે, ગાંધીનગર લોકસભા વિસ્તારમાં પાછલા પાંચ વર્ષમાં ખાતમુહૂર્ત કરેલા વિકાસ કામોમાંથી ૯૧ ટકા પ્રોજેક્ટ્સનું લોકાર્પણ તેમણે કર્યું છે. ગાંધીનગર લોકસભા વિસ્તારની તમામ શાળા હવે અનુપમ સ્માર્ટ સ્કુલ બની જશે. વિકાસની વણથંભી વણઝાર રચવાના ભાજપના સંસ્કાર છે, તેવું તેમણે ઉમેર્યું હતું.
દેશના ૮૦ કરોડથી વધુ લોકોને વિનામૂલ્યે અનાજ આપવામાં આવ્યું છેઃ અમિત શાહ
વડાપ્રધાનના દિશાદર્શનમાં દેશના નાગરિકોને મળી રહેલા યોજનાકીય લાભ અંગે વાત કરતા અમિતભાઇ શાહે કહ્યું કે, દેશના ૮૦ કરોડથી વધુ લોકોને વિનામૂલ્યે અનાજ આપવામાં આવ્યું છે. ૧૨ કરોડથી વધુ શૌચાલય તૈયાર કરવામાં આવ્યાં છે. દેશમાં ૪ કરોડથી વધુ લોકોને ઘરનું ઘર મળ્યું છે. ૧૦ કરોડ લોકોને ઉજ્જવલા યોજના અંતર્ગત ગેસનાં કનેક્શન પૂરાં પાડવામાં આવ્યા છે. ૧૪ કરોડ લોકોને નલ સે જલ યોજના અંતર્ગત નળ કનેક્શન મળ્યું છે. દેશના દરેક વ્યક્તિને પીએમ મોદીએ સુરક્ષિત અને સમૃદ્ધ કર્યા છે.
ગુજરાતના શહેરો ગ્લોબલ સિટીઝ બની રહ્યા છેઃ ભૂપેન્દ્રભાઇ પટેલ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ પ્રસંગે જણાવ્યું કે, ગુજરાતના શહેરો બેસ્ટ અર્બન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઇકોફ્રેન્ડલી અપ્રોચ સાથે ગ્લોબલ સિટીઝ બની રહ્યા છે. વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ સહિત ગુજરાતના તમામ શહેરો સ્માર્ટ સિટીઝ બનવાની રાહે અગ્રેસર છે. એન્વાયરમેન્ટ અને પ્રોગ્રેસ બંનેને સાથે રાખીને અમદાવાદ – વડોદરામાં રિવરફ્રન્ટ પ્રોજેક્ટ તથા સુરતમાં ગ્રીન ગ્રીડ મિશન દ્વારા અર્બન ઇકોલોજી અને ગ્રીન સ્પેસને ડબલ એન્જિન સરકારે મહત્વ આપ્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, લિવિંગ વેલ અને અર્નીંગ વેલના કન્સેપ્ટ સાથે શહેરી જનજીવન સુવિધા સભર બનાવવાનો રોડમેપ ગુજરાત સરકારે વિકસિત ગુજરાત @૨૦૪૭ના વિઝન ડોક્યુમેન્ટમાં રાખ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે, ડબલ એન્જિન સરકારને પરિણામે વિકાસ કામોની સ્પીડ અને સ્કેલ વધ્યા છે. વિકાસ માત્ર વાતોમાં નહીં ધરાતલ ઉપર સાકાર કરનારી આ સરકાર છે એવો વિશ્વાસ સૌને બેઠો છે.
