ગોપાલ સ્નેક્સના IPOમાં રોકાણકારો ધોવાયા, વાંચો કેટલા ટકા ડિસ્કાઉન્ટ સાથે લિસ્ટિંગ થયું
IPOને સારો પ્રતિસાદ મળ્યો હોવા છતાં ગુરુવારે રાજકોટની ગોપાલ સ્નેક્સના શેરનું લિસ્ટિંગ સારું રહ્યું ન હતું. સ્થાનિક શેરબજારની નરમાઈ વચ્ચે ગોપાલ સ્નેક્સના શેર 12 ટકાથી વધુ ડિસ્કાઉન્ટ સાથે શેરબજારમાં લિસ્ટ થયા હતા.
ગોપાલ સ્નેક્સના શેર NSE પર રૂ. 351ના ભાવે લિસ્ટ થયા હતા. 401 રૂપિયાના IPOના અપર પ્રાઇસ બેન્ડ કરતાં આ 12.49 ટકા ઓછું છે. જ્યારે ગોપાલ સ્નેક્સનો શેર BSE પર રૂ. 350ના ભાવે ખૂલ્યો હતો, જે ઇશ્યૂ ભાવ કરતાં 12.72 ટકા ઓછો છે.
નમકીન કંપનીનો IPO 6 માર્ચે ખોલવામાં આવ્યો હતો અને તે 11 માર્ચ સુધી બિડિંગ માટે ઉપલબ્ધ હતો. શેર દીઠ રૂ. 1ની ફેસ વેલ્યુની સામે, IPOમાં રૂ. 381 થી રૂ. 401ની પ્રાઇસ બેન્ડ નક્કી કરવામાં આવી હતી. આ IPOના એક લોટમાં 37 શેર હતા. એટલે કે આ IPOમાં રોકાણ કરનારા રોકાણકારોએ ઓછામાં ઓછા 14,837 રૂપિયાનું રોકાણ કરવું પડ્યું હતું.
જો આપણે લિસ્ટિંગ રેટ પર નજર કરીએ તો 350 રૂપિયામાં એક લોટની કિંમત 12,950 રૂપિયા થઈ જાય છે. આનો અર્થ એ થયો કે ગોપાલ સ્નેક્સના IPOમાં નાણાં રોકનારા રોકાણકારોને દરેક લોટ પર 1,850 રૂપિયાનું નુકસાન થયું છે.
અગાઉ આ IPOને બજારમાં ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો. તે QIB કેટેગરીમાં મહત્તમ 18.42 વખત સબ્સ્ક્રાઇબ થયું હતું. જ્યારે NII સેગમેન્ટમાં IPO 10 ગણું અને રિટેલ સેગમેન્ટમાં 4.22 ગણું સબસ્ક્રાઇબ થયું હતું. કર્મચારીઓ માટે આરક્ષિત હિસ્સાને 7.27 ગણી બિડ મળી હતી. એકંદરે IPO ને 9.50 ગણું સબસ્ક્રિપ્શન મળ્યું હતું.