શેરબજારમાં મંદીનું વાવાઝોડુ : રોકાણકારોનાં કેટલા લાખ કરોડ સ્વાહા થયા..જુઓ
સેન્સેક્સ અને નિફ્ટીમાં જોરદાર કડાકા : સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં ભારે વેચવાલી
આજે શેરબજારમાં મંદીનું વાવાઝોડું ફુંકાયું હતું અને રોકાણકારોની મહિનાઓની કમાણી કલાકોમાં ધોવાઈ ગઈ હતી. આજે સેન્સેક્સમાં ઇન્ટ્રાડે ૧૫૩૭ પોઈન્ટ અને નિફ્ટીમાં ૫૪૧ પોઈન્ટનો કડાકો બોલી ગયો હતો. આજે રોકાણકારોને લગભગ ૧૩ લાખ કરોડ રૂપિયાનું નુકસાન ગયું હતું. આજે સ્મોલકેપ અને મીડકેપ શેરોમાં પણ તોતિંગ ગાબડુ પડ્યું હતું.
બજાર કેમ તૂટ્યું?
તાજેતરમાં સેબી ચીફે મિડકેપ અને સ્મોલ કેપ શેરો અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે સેબી તેમના પર ચાંપતી નજર રાખી રહી છે. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં હેરાફેરીના સંકેતો મળ્યા છે. એટલું જ નહીં, SMI IPOમાં પણ અનિયમિતતાના સંકેતો છે. સેબી ચીફે રોકાણકારોને આ અંગે સાવચેત રહેવા જણાવ્યું છે. સેબીના આ નિવેદન બાદ બજારનું સેન્ટિમેન્ટ બદલાઈ ગયું હતું અને તેની અસરરૂપે આજે બજારમાં ભારે વેચવાલી જોવા મળી હતી. સ્મોલ કેપ અને મિડકેપ ઈન્ડેક્સની સાથે અન્ય ઈન્ડેક્સમાં પણ જોરદાર ઘટાડો જોવા મળ્યો હતો.
બુધવારે શેરબજારમાં ભારે ઘટાડાથી BSE લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 12.67 લાખ કરોડ ઘટીને રૂ. 372 લાખ કરોડ થયું હતું. મતલબ કે થોડા જ કલાકોમાં રોકાણકારોને લગભગ 13 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
અદાણીના શેરમાં ભારે ઘટાડો
અદાણીના શેરોના પતનને કારણે અદાણી ગ્રૂપના માર્કેટ કેપમાં રૂ. 90,000 કરોડનો ઘટાડો થયો હતો અને ગૌતમ અદાણી $100 બિલિયનની ક્લબમાંથી બહાર થઈ ગયા હતા. બુધવારે, અદાણીના તમામ શેર્સમાં ઘટાડો જોવા મળ્યો હતો, જેમાંથી અદાણી ગ્રીન એનર્જીના શેરમાં સૌથી વધુ 9 ટકાનો ઘટાડો થયો હતો. આ સિવાય અદાણી ટોટલ ગેસ 7%, અદાણી એન્ટરપ્રાઇઝ 6%, અદાણી વિલ્મર 4%, અદાણી પોર્ટ 5%, અદાણી ગ્રીન સોલ્યુશન 4.5% અને અદાણી પાવર 5% ઘટ્યા હતા. શેરોમાં ઘટાડા વચ્ચે ગૌતમ અદાણીની નેટવર્થ ઘટીને $99.9 બિલિયન થઈ ગઈ છે.