શમી IPL જ નહીં ટી-૨૦ વર્લ્ડકપમાં પણ આઉટ
મોહમ્મદ શમીને લઈને ભારતીય ક્રિકેટ ટીમ માટે માઠા સમાચાર છે. વર્લ્ડકપ-૨૦૨૩માં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર શમી ટી-૨૦ વર્લ્ડકપમાં રમશે નહીં. શમીને ફેબ્રુઆરીમાં ઈજા પહોંચી હતી જેની સર્જરી થયા બાદ હવે જૂન-જૂલાઈ સુધી ફિટ થવાની શક્યતા નથી. બીજી બાજુ પંતના ટી-૨૦ વર્લ્ડકપ રમવાની સંભાવના વધી ગઈ છે.
બીસીસીઆઈ સચિવ જય શાહે શમી અંગે કહ્યું કે તેની સર્જરી થઈ ચૂકી છે. તે લંડનમાં સર્જરી કરાવ્યા બાદ ભારત પરત ફરી ગયો છે. શમીની વાપસી ભારતની આગલી ઘરેલું શ્રેણીથી થઈ શકે છે જે બાંગ્લાદેશ સામે થવાની છે. ભારત આ વર્ષે બાંગ્લાદેશ સામે સપ્ટેમ્બરમાં બે ટેસ્ટ અને ૩ ટી-૨૦ મેચ રમશે. શમીએ ભારત માટે અંતિમ મેચ પાછલા વર્ષે ૧૯ નવેમ્બરે રમી હતી જે વર્લ્ડકપની ફાઈનલ હતી. આ પછી તે ટીમમાંથી બહાર થઈ ગયો છે.
બીજી બાજુ પંત અંગે જય શાહે કહ્યું કે તે (પંત) અત્યારે સારી બેટિંગ કરી રહ્યો છે અને સાથે સાથે વિકેટકિપિંગ પણ કરી રહ્યો છે એટલા માટે તેને ઝડપથી ફિટ જાહેર કરવામાં આવી શકે છે.
સૂર્યકુમાર યાદવ આઈપીએલની બે મેચમાં નહીં રમે
૨૨ માર્ચથી શરૂ થઈ રહેલી આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સની મુશ્કેલી વધી શકે છે. સ્ટાર બેટર સૂર્યકુમાર યાદવ પ્રથમ બે મેચમાંથી બહાર થઈ શકે છે. મુંબઈ પોતાની પહેલી મેચ ૨૪ માર્ચે ગુજરાત સામે રમશે. સૂર્યકુમાર અત્યારે નેશનલ ક્રિકેટ એકેડેમીમાં છે અને ફિટ થઈ રહ્યો છે. જો કે તેને સાજો થવામાં થોડો સમય લાગી છે.